અયોધ્યામાં પણ મહાકુંભ જેવું વાતાવરણ સર્જાયું, રામલલાના દર્શન કરવા શ્રદ્ધાળુઓની ભારે ભીડ

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં જનમેદની ઉમટી પડી છે. ત્યારે હવે આ વચ્ચે અયોધ્યામાં ભગવાન રામના દર્શન માટે પણ શ્રદ્ધાળુઓની મોટી ભીડ ઉમટી પડી છે. છેલ્લા થોડા દિવસોમાં એટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે કે, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે શ્રદ્ધાળુઓને 15-20 દિવસ બાદ આવવાની અપીલ કરવી પડી છે.
ચંપત રાયે એક પત્ર જાહેર કરીને કહ્યું કે, પ્રયાગરાજમાં મૌની અમાવસ્યાના દિવસે ‘મુખ્ય સ્નાન’ (મુખ્ય સ્નાન અનુષ્ઠાન) 29 જાન્યુઆરીના રોજ થશે.’ આ શુભ દિવસે પ્રયાગરાજમાં લગભગ 10 કરોડ શ્રદ્ધાળુઓ પવિત્ર ડુબકી લગાવશે એવો અંદાજ છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રયાગરાજથી અયોધ્યા ટ્રેન અને રોડ માર્ગે પણ મુસાફરી કરી રહ્યા છે.
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવે આગળ કહ્યું કે, છેલ્લા 3 દિવસમાં અયોધ્યા આવતાં ભક્તોની સંખ્યામાં અણધાર્યો વધારો થયો છે. અયોધ્યા ધામની વસ્તી અને કદને ધ્યાનમાં લેતાં એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં ભક્તોને ભગવાન શ્રી રામલલાના દર્શન કરાવવું મુશ્કેલ બની રહ્યું છે. લોકોને અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે. પરિણામે કોઈપણ અનિચ્છનીય ઘટના ટાળવા માટે વ્યવસ્થામાં જરૂરી ગોઠવણો કરવામાં આવી રહી છે. ભક્તોને લાંબા અંતર સુધી ચાલવાની પણ જરૂર પડી રહી છે.
ચંપત રાયે આસપાસના લોકોને કરવી પડી અપીલ
ચંપત રાયે કહ્યું કે, હું આસપાસના વિસ્તારના શ્રદ્ધાળુઓને અપીલ કરું છું કે, તમે અયોધ્યા આવવા માટે 15-20 દિવસ બાદની યોજના બનાવો, જેથી કરીને દૂર-દૂરથી આવતા લોકોને હાલમાં દર્શન કરવામાં સરળતા રહે. તેનાથી તમામને સુવિધા મળશે. વસંત પંચમી બાદ ખૂબ રાહત મળશે અને ફેબ્રુઆરીમાં હવામાન પણ સારું રહેશે. તેથી આસપાસના વિસ્તારના શ્રદ્ધાળુઓ તે સમયે પોતાની યોજના બનાવે તે સારું રહેશે. હું તમને વિનંતી કરું છું કે, કૃપા કરીને આ અપીલ વિચાર કરજો.
મહાકુંભમાં આસ્થાની ડુબકી લગાવનારાઓની ભીડ એટલી છે કે, છેલ્લા 17 દિવસમાં 15 કરોડ શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન કરી ચૂક્યા છે. આવતીકાલે (29 જાન્યુઆરી) મૌની અમાસ છે. એવું માનવામાં આવે છે કે આવતીકાલે શ્રદ્ધાળઓની એટલી મોટી ભીડ હશે કે બધા જૂના રૅકોર્ડ તૂટી જશે. અંદાજ પ્રમાણે 10 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ આવતીકાલે સંગમ નગરીમાં પહોંચીને પવિત્ર સ્નાન કરશે.