સરદાર પટેલની ૧૫૦મી જન્મ જયંતીના અવસરે નડિયાદ ખાતે યોજાઈ ભવ્ય એકતા રેલી

આજ રોજ ૩૧ ઓક્ટોબર, લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતીના અવસરે નડિયાદ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

નડિયાદ એસઆરપી ગ્રાઉન્ડથી દેસાઈવગો સ્થિત સરદાર પટેલના જન્મ સ્થળ સુધી યોજાયેલી આ રેલીમાં રાજ્યમંત્રી શ્રી સંજયસિંહ મહિડા સહિત જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ અને સૌ નગરજનોએ ઉત્સાહપૂર્વક જોડાઈ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જાળવવા માટે શપથ લીધા હતા.

સૌપ્રથમ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા એસઆરપી ગ્રાઉન્ડથી એકતા રેલીને ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. રાજ્યમંત્રી શ્રી સંજયસિંહ મહિડા, ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ, જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવ અને મહાનગરપાલિકા કમિશનર શ્રી જી.એચ.સોલંકી સહિતના મહાનુભાવોએ એકતા રેલીમાં દોડ લગાવી હતી. જેમાં નગરજનોએ પણ ઉત્સાહપૂર્વક સહભાગી થઈ જય સરદાર અને વંદે માતરમના નારા સાથે નડિયાદ શહેરને ગુંજાવ્યું હતું.

રેલી દરમિયાન બસ સ્ટેન્ડ સ્થિત સરદાર સાહેબની પ્રતિમાને અને દેસાઈવગો સ્થિત સરદાર પટેલના જન્મ સ્થળ પર આવેલ ગાંધીજીની પ્રતિમા તથા ગર્ભગૃહમાં સરદાર સાહેબને સુતરની આંટી તેમજ પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કરવામાં આવ્યા હતા.

આ અવસરે રાજ્યમંત્રી શ્રી સંજયસિંહ મહિડાએ જણાવ્યું હતું કે ચરોતરના મહાનાયક અને લોહપુરુષ એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ નડિયાદમાં થયો તે સમગ્ર જિલ્લા માટે ગર્વની વાત છે. સરદાર સાહેબે ૫૬૨ રજવાડાઓને એકસૂત્રે બાંધી રાષ્ટ્રની એકતાનો પાયો નાખ્યો હતો. ત્યારે આ વિચારને આગળ ધપાવતા રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને સુરક્ષિત રાખવા સૌ નગરજનોને સંકલ્પ લેવા મંત્રીશ્રીએ અપીલ કરી હતી.

ધારાસભ્યશ્રી પંકજભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે સરદાર પટેલનો જન્મ અહીં થયો અને પ્રારંભિક શિક્ષણ પણ નડિયાદમાં થયેલું છે. સરદાર સાહેબના આ અમૂલ્ય વારસાને સંપૂર્ણ સુરક્ષિત રીતે સાચવવામાં આવ્યો છે.

આ પ્રસંગે પૂર્વ મિનિસ્ટર શ્રી દિનશા પટેલ તેમજ સરદાર પટેલના વારસદારે હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી.

આ અવસરે પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોર, અગ્રણી શ્રી નયનાબેન પટેલ, એસઆરપી સેનાપતિ શ્રી પી.વ્યાસ, નાયબ વન સંરક્ષક શ્રી અભિષેક સામરીયા, એપીએમસી ચેરમેન શ્રી અપૂર્વભાઈ પટેલ સહિત જિલ્લાના મુખ્ય પદાઅધિકારીઓ, રેવન્યુ અને પંચાયત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ, એનસીસી ૨૮ બટાલિયનના અને એનએસએસના કેડેટ્સ, સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, તથા જિલ્લાના સૌ પ્રબુદ્ધ નગરજનો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા.

આ પણ વાંચો, http://બ્લેક ઓફ શોલ્ડર બોડીકોન ગાઉનમાં ગોર્જિયસ લાગી સંદીપા ધર

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *