Aravalli (Modasa): બાયડમાં કાર-બાઇક વચ્ચે જોરદાર ટક્કર; પતિ-પત્ની-પુત્રનાં મોત, કારચાલક ફરાર

બાયડ-અમદાવાદ રોડ પર આંબલિયારા ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. એમાં બાઈક પર સવાર એક પરિવારના ત્રણ સભ્યનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતા. ગઈકાલે (10 સપ્ટેમ્બર) સાંજે 6 વાગ્યાની આસપાસ બાઈક પર પતિ-પત્ની અને તેમનું બાળક જઈ રહ્યાં હતાં ત્યારે એક તેજ રફતાર કાર બાઈક સાથે ધડાકાભેર અથડાઇ હતી, જેથી બાઈકચાલક પુરુષનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે તેમની પત્ની અને બાળકનાં સારવાર દરમિયાન મોત થયાં હતાં.
મૃતકોનાં નામ
યોગેશ લુજાભાઈ વસૈયા – પતિ (ઉં. 31)
નિરુબેન યોગેશભાઈ વસૈયા – પત્ની (ઉં. 23)
આરવકુમાર યોગેશભાઈ વસૈયા – પુત્ર (ઉં.7)

અકસ્માતનો ભોગ બનેલો પરિવાર ઝાલોદ તાલુકાના ગાવડિયા ગામનો હતો. તેઓ ગઈકાલે (10 ઓગસ્ટ) સાંજે છ વાગે બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે સામેથી આવતી બલેનો કાર (નં. GJ 01 HY 0804) સાથે ટકરાયા હતા. કારચાલકે ઓવરટેક કરવા જતાં આ અકસ્માત થયો હતો. ટક્કર એટલી ગંભીર હતી કે બાઈક રોડ પર સળગવા લાગી અને કાર રોડની બાજુમાં ખેતરમાં ઘસડાઈ ગઈ. આ દુર્ઘટનામાં પિતા યોગેશભાઈનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે માતા અને બાળક ગંભીર રીતે ઘાયલ થયાં હતાં. તેમને તાત્કાલિક સારવાર માટે જીતપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં, પરંતુ સારવાર દરમિયાન બંનેનાં પણ મોત થયાં.

ઘટનાની જાણ થતાંની સાથે લોકોનાં ટોળાં ઊમટયાં હતાં, પરંતુ બાઈકસવારનું સારવાર મળે એ પહેલાં જ મોત થયું હતું, જ્યારે સારવારમાં માતા-પુત્રનાં મોત થતાં એક જ પરિવારના તમામ ત્રણ સભ્યનાં મોતથી પરિવારનો માળો વિખેરાયો છે. આ ઘટનાને કારણે સ્થાનિક લોકોમાં ભારે શોક અને રોષની લાગણી ફેલાઈ છે, કારણ કે વાહનચાલકોની બેદરકારીના કારણે નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે.
અકસ્માત બાદ કારચાલક કાર ત્યાં જ મૂકીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ આંબલિયારા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તેમનાં પરિવારજનોને સોંપવાની કાર્યવાહી કરી છે. પોલીસે ફરાર કારચાલકને પકડવા માટે તપાસ શરૂ કરી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ચકાસી રહી છે. પોલીસે આસપાસના સ્થાનિકોનાં પણ નિવેદન લીધાં છે.
આ પણ વાંચો, 5 આતંકીઓની ધરપકડ, PM મોદીના જન્મદિન પહેલા દિલ્હી પોલીસને મોટી સફળતા, હતું બોમ્બ બ્લાસ્ટનું ષડયંત્ર