રાહુલની યાત્રા વચ્ચે 3 PAK આતંકી બિહારમાં ઘૂસ્યા:ત્રણેય જૈશ સાથે સંકળાયેલા; રાજ્યમાં હાઇ એલર્ટ

રાહુલ ગાંધી SIR વિરુદ્ધ બિહારમાં મતદાર અધિકાર યાત્રા પર છે, આ વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાવાની છે. એ દરમિયાન બિહારમાં ત્રણ પાકિસ્તાની આતંકવાદીની ઘૂસણખોરીના સમાચાર છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસ મુખ્યાલયના જણાવ્યા અનુસાર, આ બધા નેપાળ થઈને બિહાર પહોંચ્યા હતા. પાકિસ્તાની આતંકવાદીઓ હસનૈન, આદિલ અને ઉસ્માનના ફોટા જાહેર કરવામાં આવ્યા છે.

હસનૈન અલી પાકિસ્તાનના રાવલપિંડીનો રહેવાસી છે. આદિલ હુસૈન પાકિસ્તાનના ઉમરકોટનો રહેવાસી છે અને ત્રીજો આતંકવાદી મોહમ્મદ ઉસ્માન પાકિસ્તાનના બહાવલપુરનો રહેવાસી છે.

અહેવાલ છે કે આ બધા પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા છે. પોલીસ મુખ્યાલયે તમામ જિલ્લાઓની પોલીસને હાઇ એલર્ટ જારી કર્યું છે. મુખ્યાલયે તેમને આતંકવાદીઓનાં નામ અને ફોટા પણ મોકલ્યાં છે.

ગુપ્ત માહિતીના આધારે, એવી આશંકા છે કે આતંકવાદીઓનો હેતુ બિહારમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપવાનો હતો, જોકે આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

એવી શંકા છે કે ત્રણેય આતંકવાદી અરરિયા જિલ્લામાંથી બિહારમાં પ્રવેશ્યા હશે. હાલમાં તપાસ ચાલી રહી છે.

અહેવાલ છે કે ત્રણેય આતંકવાદી ઓગસ્ટના બીજા અઠવાડિયામાં કાઠમંડુ પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ ગયા અઠવાડિયે બિહારમાં પ્રવેશ્યા હતા. આ આતંકવાદીઓ દેશના કોઈ ભાગમાં આતંકવાદી ઘટનાઓને અંજામ આપે એવી પણ શક્યતા છે.

મુખ્યાલયે તમામ જિલ્લા પોલીસને ગુપ્તચર તંત્રને સક્રિય રાખવા, ઇનપુટ્સ એકત્રિત કરવા અને શંકાસ્પદો પર નજર રાખવાનો આદેશ આપ્યો છે, જોકે આ અંગેની સત્તાવાર માહિતી હજુ સુધી મુખ્યાલય તરફથી આવી નથી.

મે મહિનામાં 18 શંકાસ્પદની ઘૂસણખોરી

આના ત્રણ મહિના પહેલાં મે મહિનામાં 20 દિવસમાં 18 શંકાસ્પદ લોકો બિહારમાં પ્રવેશ્યા હતા. તેમાંથી એક ખાલિસ્તાની પણ પકડાયો હતો. બિહાર નેપાળ સાથે 729 કિમી લાંબી સરહદ ધરાવે છે.

બિહારના 7 જિલ્લા નેપાળ સરહદને અડીને આવેલા છે. ઘૂસણખોરી અહીંથી થાય છે, કારણ કે આખી સરહદ ખુલ્લી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *