આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે,બંદરો પર લાગ્યા 3 નંબરના સિગ્નલ

ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ખાસ કરીને આજે જુનાગઢ, સાબરકાંઠા સહિત ૮ જિલ્લાઓમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે તેવી આગાહી કરવામાં આવી છે. આ સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને તમામ બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.
અરબી સમુદ્રમાં ઉદભવેલા ભારે કરંટના કારણે ગીર સોમનાથના વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.
ડભોઈ પંથકમાં ધોધમાર વરસાદ
દિવસભર છૂટાછવાયા વરસાદ બાદ મોડી સાંજે ડભોઈ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા સાથે વરસેલા વરસાદથી પટેલવાગા, ટાવર ચોક, આંબેડકર ચોક અને જૈનવાગા જેવા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત વેગા, ફરતિકુઈ, પૂડા, નડા, બોરબાર, થુવાવી અને રાજલિ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ વરસ્યો છે, જેના કારણે ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે.
ગુજરાતની સાથે સાથે પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ અનરાધાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. સવાઈ માધોપુર, બાંરા અને કોટામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા રેલવે સેવાને અસર થઈ છે. વરસાદને કારણે બાંરામાં આજે રજા જાહેર કરવામાં આવી છે.