12 ઇંચ વરસાદથી જૂનાગઢનું મેંદરડા બેટમાં ફેરવાયું, જૂનાગઢ-મેંદરડા રોડ બંધ

હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે આજે જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢના વંથલી, મેંદરડા, કેશોદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આજે મેંદરડામાં સૌથી વધુ 12.5 ઈંચ વરસાદ વરસતા શહેર બેટમાં ફેરવાયું છે.
વરસાદના કારણે જૂનાગઢમાં નવ રસ્તા બંધ કરવામાં આવ્યા છે. જૂનાગઢમાં નીચાણવાળા 52 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. માણાવદર-વંથલી તાલુકાના 35 ગામનો સંપર્ક તૂટ્યો છે.
મેંદરડામાં ભારે વરસાદને પગલે જૂનાગઢ-મેંદરડા રોડ બંધ કરવામાં આવ્યો છે. રસ્તો પર પાણી ફરી વળ્યા છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ જોવા મળી રહ્યું છે.
જૂનાગઢના મેંદરડામાં 4 કલાકમાં અનરાધાર 10 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદના પગલે તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
જૂનાગઢના વંથલી, કેશોદ અને માળિયા હાટીનામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. જૂનાગઢ શહેરમાં અને માણાવદરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે.