દિલ્હી CM રેખા ગુપ્તા ઉપર રાજકોટવાસીએ હુમલો કર્યો:CMને હાથ પકડીને ખેંચવાની કોશિશ કરી, ટેબલ પર માથું અથડાતા ઈજા પહોંચી

બુધવારે સવારે મુખ્યમંત્રી નિવાસસ્થાને લોક દરબાર દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો થયો હતો. મીડિયા અહેવાલો અનુસાર, તેમને થપ્પડ મારવામાં આવી હતી.
દિલ્હી ભાજપ અધ્યક્ષ વીરેન્દ્ર સક્સેનાએ કહ્યું- આરોપી વ્યક્તિએ મુખ્યમંત્રીનો હાથ પકડીને ખેંચ્યા હતા. આ દરમિયાન તેમનું માથું ટેબલના ખૂણા સાથે અથડાયું. તેમને માથામાં ઈજા થઈ છે. થપ્પડ મારવાની ઘટના ખોટી છે.
તેમજ, હુમલાની પુષ્ટિ કરતા, દિલ્હી સીએમ ઓફિસે કહ્યું- આજે લોક દરબાર દરમિયાન, એક વ્યક્તિએ મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો કર્યો. આરોપીને દિલ્હી પોલીસે પકડી લીધો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આરોપીએ પોતાનું નામ રાજેશ ભાઈ સાકરિયા (41) હોવાનું જણાવ્યું છે. તે ગુજરાતના રાજકોટનો રહેવાસી છે. આ દરમિયાન, ઘટના બાદ દિલ્હીના મુખ્ય સચિવ મુખ્યમંત્રી નિવાસસ્થાને પહોંચી ગયા છે.
રાજકોટના કોઠારિયા વિસ્તારના રહેવાસી રાજેશ ખીમજી સાકરિયા જે રિક્ષા ચલાવવાનું કામ કરે છે તેની માતાએ કહ્યું કે મારો દીકરો કૂતરા પ્રેમી છે. દિલ્હીમાં સુપ્રીમ કોર્ટે કૂતરાઓને પકડવાનો જ્યારે આદેશ આપ્યો, ત્યારથી તે ખૂબ જ ગુસ્સે હતો. સમાચાર સાંભળતા જ એ ઘરમાં બેડ પર હાથ મારવા લાગ્યો હતો. આ મામલે જ મનમાં ખાર રાખીને તે દિલ્હી રવાના થયો હતો.
દિલ્હીમાં CM પર હુમલા બાદ રાજેશનાં રાજકોટનાં ઘરે પોલીસ પહોંચી ગઈ છે. પોલીસ દ્વારા રાજેશ સાકરિયાની ક્રિમીનલ હિસ્ટ્રી ચેક કરવામાં આવી રહી છે. રાજેશ કેટલા સમયથી બહાર રહે છે તે બાબતે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. આડોશ પડોશના લોકોની પણ પોલીસ પૂછપરછ કરી શકે છે.