પર્વાધિરાજ પર્યુષણ: આત્માની શુદ્ધિ અને પરમાત્માના સામીપ્યનો મહાપર્વ:આજથી જૈનોના મહાપર્વ પર્યુષણની ઉજવણી

જૈન ધર્મના અનુયાયીઓ માટે પર્વાધિરાજ પર્યુષણ એ માત્ર એક તહેવાર નથી, પરંતુ આત્મશુદ્ધિ અને આધ્યાત્મિક ઉન્નતિનો એક મહાપર્વ છે. આ આઠ દિવસીય ઉત્સવ આજથી એટલે કે શ્રાવણ વદ બારસ, તા. ૨૦/૮/૨૦૨૫ થી શરૂ થઈ રહ્યો છે, જે દરમિયાન શ્વેતાંબર જૈનો પોતાના આત્માને પરમાત્માની નજીક લઈ જવા માટે તપ, ધ્યાન અને સંયમનું આચરણ કરે છે.
પર્યુષણનો મુખ્ય ઉદ્દેશ્ય ભગવાન મહાવીર સ્વામીના મૂળભૂત સિદ્ધાંત “અહિંસા પરમો ધર્મ” ને જીવનમાં ઉતારવાનો છે. આ પર્વ દરેક જીવ પ્રત્યે કરુણા અને પ્રેમનો સંદેશ આપે છે.

આ આઠ દિવસમાં, જૈન અનુયાયીઓ તીર્થંકરોની પૂજા, સેવા, અને સ્મરણ દ્વારા પોતાના જીવનને ઉચ્ચ આદર્શો તરફ વાળવાનો પ્રયાસ કરે છે.
પર્યુષણ દરમિયાન ઉપવાસનું વિશેષ મહત્ત્વ છે. ઉપવાસ દ્વારા શરીર અને મન બંનેને શુદ્ધ કરવામાં આવે છે, જે આધ્યાત્મિક તપસ્યા માટે અનિવાર્ય છે. આ દરમિયાન ફક્ત સૂર્યોદય અને સૂર્યાસ્ત વચ્ચે ઉકાળેલું પાણી જ ગ્રહણ કરવામાં આવે છે.
ઉપવાસની જેમ જ, પ્રતિક્રમણ પણ આ પર્વનો એક અભિન્ન અંગ છે. પ્રતિક્રમણનો શાબ્દિક અર્થ છે, “પાપથી પાછા ફરવું.” આ એક પ્રકારની ધ્યાન વિધિ છે, જેમાં વ્યક્તિ પોતાના દિવસભરના કાર્યોનું અવલોકન કરીને, જો કોઈ ભૂલ થઈ હોય તો તેના માટે પશ્ચાત્તાપ કરે છે. વાર્ષિક સંવત્સરી પ્રતિક્રમણ દરેક શ્રાવક માટે ફરજિયાત માનવામાં આવે છે, જે ભાદરવા સુદ ચોથ ના દિવસે થાય છે.
શ્રાવક નવિન દોશીના જણાવ્યા અનુસાર પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ સંવત્સરી પર્વ સાથે થાય છે, જેનો સૌથી મોટો સંદેશ ક્ષમાપના છે. આ દિવસે સૌ એકબીજાને “મિચ્છામિ દુક્કડમ્” કહીને જાણતાં કે અજાણતાં કરેલી ભૂલો માટે માફી માંગે છે. “મિચ્છામિ દુક્કડમ્” નો અર્થ છે, “જાણતા કે અજાણતા મારા કોઈ કૃત્ય, શબ્દ કે અન્ય કોઈપણ રીતે આપનું મન દુભાયું હોય તો હું આપની ક્ષમા માંગુ છું.” આ પરંપરા સંબંધોને મજબૂત બનાવે છે અને મનમાંથી વેરભાવ દૂર કરે છે.
પર્વાધિરાજ પર્યુષણ માત્ર એક ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ એક જીવનશૈલી છે જે આપણને ક્ષમા, કરુણા અને આત્મશુદ્ધિનો માર્ગ દર્શાવે છે. આ આઠ દિવસ આપણને ભૌતિક સુખથી દૂર રહીને આંતરિક શાંતિ અને આધ્યાત્મિક વિકાસ તરફ આગળ વધવા પ્રેરણા આપે છે.
અહેવાલ: નવિન દોશી,સુરત