અમદાવાદમાં રોંગ સાઈડ ડ્રાઈવિંગ, ગેરકાયદેસર પાર્કિંગના નિયમોનો ભંગ થશે તો સ્થાનિક P.I જવાબદાર- હાઈકોર્ટ

અમદાવાદના બિસ્માર રસ્તાઓ, રખડતાં ઢોર, ટ્રાફિક, ગેરકાયદેસર પાર્કિંગ અને રોંગ સાઈડ ડ્રાઈવિંગના મુદ્દે હાઈકોર્ટે સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કડક નિર્દેશ આપ્યા છે. કોર્ટે અગાઉના 70 હુકમોનું અક્ષરશ પાલન કરવા સૂચના આપી છે. આ સાથે જ વહીવટીતંત્રની નિષ્ક્રિયતા પર નારાજગી વ્યક્ત કરી છે. હુકમના તિરસ્કારની અરજીની સુનાવણી વખતે જ વહીવટીતંત્ર જાગે એ યોગ્ય નથી.
કોર્ટે આદેશ આપ્યો કે રોંગ સાઈડ ડ્રાઈવિંગ, ગેરકાયદેસર પાર્કિંગ અને દબાણ વિરુદ્ધ કડક કાર્યવાહી ચાલુ રાખવી જોઈએ.આ મુદ્દે નિયમોનો ભંગ થશે, તો સ્થાનિક પોલીસ ઈન્સ્પેક્ટર જવાબદાર રહેશે અને તેમની સામે પણ કાર્યવાહી થશે.
શહેરના તમામ રસ્તાઓ પર આદેશનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા કોર્ટે સ્પષ્ટ સૂચના આપી છે. હાઈકોર્ટે ચેતવણી આપી કે વહીવટીતંત્રની નિષ્ક્રિયતા ચલાવી લેવાશે નહિ અને શહેર તથા રાજ્યના કલ્યાણ માટે જરૂરી પગલાં લેવા માટે વહીવટીતંત્ર જવાબદાર છે.