ગુજરાત કોંગ્રેસમાં સોમવાર સુધી થશે મોટા ફેરફાર, જાણો નવા પ્રદેશ પ્રમુખની રેસમાં કોણ સૌથી આગળ?

ગુજરાત કોંગ્રેસમાં સોમવાર સુધી મોટા ફેરફાર થઇ શકે છે. શક્તિસિંહ ગોહિલ રાજીનામું આપવા પર અડગ છે. કેન્દ્રિય નેતૃત્વએ ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ માટે 3 નામ નક્કી કર્યા છે. સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈનું નામ ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખની રેસમાં સૌથી આગળ છે. લાલજી દેસાઈ સિવાય ગેનીબેન ઠાકોર કે અમિત ચાવડા પણ પ્રમુખની રેસમાં સામેલ છે. પાટણ MLA કિરીટ પટેલ વિધાનસભામાં કોંગ્રેસના નેતા બની શકે છે.
સૂત્રોએ આપેલી માહિતી અનુસાર, લાલજી દેસાઈ પ્રબળ દાવેદાર મનાઈ રહ્યા છે. રાહુલ ગાંધીના વિશ્વાસુ ગણાતા લાલજી દેસાઈ 2018થી રાષ્ટ્રીય સેવાદળના અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં લાલજી દેસાઈ સૌથી સક્રીય રહ્યા હતા. દિલ્હી ખાતે યોજાનારી બેઠકમાં ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા, સિદ્ધાર્થ પટેલ, પરેશ ધાનાણી, શક્તિસિંહ ગોહિલ, ગેનીબેન ઠાકોર, શૈલેષ પરમાર સહિતના નેતાઓ હાજરી આપી છે. ગુજરાત કોંગ્રેસનું નેતૃત્વ કોને સોંપવું તેને લઇને રાહુલ ગાંધી ચર્ચા કરવામાં આવશે.
ગેનીબેન 2027માં કોંગ્રેસ તરફથી CMનો ચહેરો બને તેવી પ્રબળ શક્યતા છે. ગેનીબેનને 2027માં ચહેરો બનાવવા નેતાઓ સહમત થાય તો ચાવડા અધ્યક્ષ બને તેવી પૂર્ણ શક્યતા છે. ત્યારબાદ નવા પ્રમુખની નિમણૂક ન થાય ત્યાં સુધી શૈલેષ પરમારને કાર્યકારી અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવતાં વિવિધ સમાજ ખાસ કરીને પાટીદાર અને કોળી સમાજમાં નારાજગી જોવા મળી હતી. પાટીદાર અને કોળી સમાજે ગુજરાત કોંગ્રેસનું અધ્યક્ષ પદ આપવા માંગ કરી છે. જેને લઈને રાહુલ ગાંધીએ કોંગ્રેસના નેતાઓ સાથે દિલ્હીમાં બેઠક બોલાવી હતી.