અઢી દાયકા બાદ નવી પેઢીને જોડવા આવી રહી છે ‘તુલસી’:’ક્યોંકી સાસ ભી કભી બહુ થી’નો ફર્સ્ટ લૂક રિલીઝ

ફેમસ ટીવી શો ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ની બીજી સીઝન ટૂંક સમયમાં ટીવી પર પ્રસારિત થવા જઈ રહી છે. સ્ટાર પ્લસ દ્વારા શોનો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો છે. 25 વર્ષ પછી સ્મૃતિ ઈરાનીને તુલસીની ભૂમિકામાં જોઈને ચાહકો ખૂબ જ ખુશ છે.
સ્મૃતિ ઈરાની અને સ્ટાર પ્લસના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટે શોનો ફર્સ્ટ લુક રિલીઝ કર્યો અને લખ્યું, “શું તમને હજુ પણ વિશ્વાસ નથી આવતો? 25 વર્ષ પછી, તુલસી વિરાણી એક નવી સ્ટોરી સાથે પરત ફરી રહી છે. ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ ફરી એકવાર દરેક ઘરનો ભાગ બનવા માટે તૈયાર છે, શું તમે પણ તૈયાર છો?”
ફર્સ્ટ લુકની સાથે, સ્ટાર પ્લસ અને સ્મૃતિ ઈરાનીએ શોની રિલીઝ ડેટ જાહેર કરી છે. આ શો 29 જુલાઈથી દરરોજ રાત્રે 10:30 વાગ્યે સ્ટાર પ્લસ અને જિયો હોટસ્ટાર પર પ્રસારિત થશે.
રિલીઝ થયેલા ફર્સ્ટ લુકમાં, તુલસી વિરાણી તરીકે સ્મૃતિ ઈરાની પહેલાની જેમ આંગણામાં તુલસીના છોડને જળ અર્પણ કરતી જોવા મળે છે. ટીઝરની શરૂઆત એક પરિવાર સાથે થાય છે જે ચર્ચા કરે છે કે શું તુલસી આટલા વર્ષો પછી ફરી ટીવી પર પાછી ફરશે કે નહીં?
ટીવી શો ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ ભારતીય ટીવી ઈન્ડસ્ટ્રીના સૌથી લોકપ્રિય શોમાંનો એક છે. પહેલી સીઝન 3 જુલાઈ 2000ના રોજ શરૂ થઈ હતી. આ શો 2008 સુધી ચાલ્યો હતો. 8 વર્ષમાં તેના 1833 એપિસોડ ટેલિકાસ્ટ થયા હતા. એકતા કપૂરના આ શોમાં સ્મૃતિ ઈરાની, અમર ઉપાધ્યાય, રોનિત રોય, મંદિરા બેદી, સુધા શિવપુરી, જયા ભટ્ટાચાર્ય, હિતેન તેજવાણી, ગૌરી પ્રધાન મહત્વપૂર્ણ ભૂમિકામાં હતા.
આ સીઝનમાં સ્મૃતિ ઈરાની અને અમર ઉપાધ્યાય મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ગત સીઝનમાં અમર ઉપાધ્યાય પછી મિહિરનું પાત્ર ભજવનાર રોનિત રોયે ટીવી પર પાછા ફરવાનો ઇનકાર કરી દીધો છે.
આ શો અને તેના પાત્રોને દર્શકોમાં ખૂબ જ લોકપ્રિયતા મળી હતી. આ જ કારણ હતું કે જ્યારે 2001માં શોમાં મિહિર વિરાણીને મૃત્યુ પામેલો બતાવવામાં આવ્યો હતો, ત્યારે ઘણા ચાહકો પ્રોડક્શન હાઉસની બહાર ભેગા થયા હતા અને શોમાં પાત્રની વાપસી માટે વિરોધ કર્યો હતો. માર્ચ 2001 માં જ્યારે મિહિરના પાત્રને શોમાં પાછું લાવવામાં આવ્યું હતું, ત્યારે શોનું રેટિંગ 22.4 TVR હતું, જે ટીવી ઈન્ડસ્ટ્રીમાં એક રેકોર્ડ છે.