Ahmedabad: ભાજપના યુવા મોર્ચાના કાર્યકરે સરકારી શૌચાલય તોડ્યું, નેતાઓની ભલામણ બાદ સીલીંગ ન કરી દંડ જ વસૂલાયો

અમદાવાદમાં નારણપુરા શાસ્ત્રીનગર પાસે આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના શૌચાલયને ભાજપ યુવા મોરચાના કાર્યકર્તા દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. શૌચાલયની આગળ શ્રીજી ચાયવાલે નામની દુકાન આવેલી છે અને દુકાન યોગ્ય રીતે દેખાય જેના માટે શૌચાલય તોડી પાડવામાં આવ્યું છે. દુકાનની બહાર રીનોવેશનનો કાટમાળ પણ પડ્યો છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ ભાજપના નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓએ ફોન કરીને સીલ મારવાની કાર્યવાહી રોકાવી માત્ર સામાન્ય 50000 રૂપિયાનો દંડ લેવાનું કહેતાં તેની પાસેથી દંડ લઈને જવા દેવામાં આવ્યો છે.
ભાજપના ધારાસભ્ય અને કોર્પોરેટર એવા નેતાઓએ બચાવમાં કહ્યું હતું કે, યુવા મોરચાના નેતા એવા દુકાન માલિકે પોતાના ખર્ચે નવું શૌચાલય બનાવવાનું કહેતા લેખિતમાં તેની પાસેથી નવું શૌચાલય બનાવવાની બાહેધરી લેવાનું કહ્યું છે. જેથી સીલ મારવાની કાર્યવાહી કરવાની જગ્યાએ દંડ લેવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની મિલકતને તોડીને નુકસાન કરવામાં આવ્યું છે છતાં પણ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા ભાજપના નેતાઓના દબાણથી માત્ર સામાન્ય દંડ લઈને જવા દેવામાં આવ્યા છે.
નારણપુરા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય જીતુ પટેલે જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. તેને સીલ માર્યા બાદ દંડની કાર્યવાહી કરવામાં આવી છે. સીલ મારી રૂ. 50 હજાર દંડ ભર્યા બાદ સીલ ખોલવાની કાર્યવાહી કરવામાં આવે એવી વાત છે. જોકે ચાયવાલેને કોઈ પણ પ્રકારનો સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી નથી માત્ર દંડ લઈને કાર્યવાહી થઈ છે. અગાઉ ચાયવાલેને સીલ મારી રૂ. 1 લાખનો દંડ લેવામાં આવનાર હતો પરંતુ ભાજપના નેતાઓના દબાણથી માત્ર સામાન્ય દંડ લેવાયો છે.
શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં શ્રીજી ચાયવાલે નામની દુકાન આવેલી છે. જેની બહાર મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષો જૂનું શૌચાલય આવેલું હતું. બે દિવસ પહેલા શૌચાલયને ચાયવાલેની દુકાનના માલિક દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. વર્ષોથી દુકાનની આગળ શૌચાલય ચાલતું હતું અને ચાયવાલેના માલિક દ્વારા અત્યારે હાલમાં દુકાને વધારીને મોટી કરી રીનોવેશન કરવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે તેમને આ શૌચાલય નાખ્યું હતું. દુકાનની આગળ શૌચાલય હોવાના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનની કોઈ પણ જાણકારી વિના શૌચાલયને તોડી પાડવામાં આવ્યું છે.
સુત્રો મુજબ શાસ્ત્રીનગર શ્રીજી ચાય વાલે નામના દુકાનના માલિક યુવા મોરચાના કાર્યકર્તા પૂજન પારેખ છે. પ્રદેશ અને શહેરમાં હોદ્દો ધરાવનારા અને ભાજપના યુવા મોરચામાં રહી ચૂકેલા ભાજપના નેતાઓ સાથે ઘનિષ્ઠ સંબંધ છે. ચાયવાલે દુકાનની બહાર મોટી સંખ્યામાં વાહનો અને બહાર ફૂટપાથ ઉપરની જગ્યામાં કેટલાક ખાણીપીણીની ચીજ વસ્તુઓના સ્ટોલ પણ લગાવવામાં આવતા હોવાને લઈને અગાઉ અનેક ફરિયાદો પણ થઈ ચૂકી છે. શૌચાલય તોડી પાડ્યા બાદ સ્થાનિક કોર્પોરેટરો અને ધારાસભ્યને પણ જાણ કરી દીધી હતી.
શાસ્ત્રીનગર વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડનું સરદાર પટેલ નગર આવેલું છે. સરદાર પટેલ નગરની બહાર ખાણીપીણીની અને મોબાઇલની 25 થી 30 જેટલી દુકાનો આવેલી છે. દુકાનોની બહાર લારીઓ અને વાહનોના પાર્કિંગના કારણે ટ્રાફિકની સમસ્યા થાય છે અને આ બાબતે અગાઉ પણ અનેક ફરિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અને ટ્રાફિક વિભાગને કરવામાં આવી હતી. ફૂટપાથની જગ્યા ઉપર જ નાસ્તાની લારીઓ ઉભી રાખવા દેવા માટેના ભાડા પણ ઉઘરાવવામાં આવી રહ્યા હોવા અને ફરિયાદો મળી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગને આ બાબતે અનેક ફરિયાદ મળી હોવા છતાં પણ તેમના દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
જો સામાન્ય વ્યક્તિ દ્વારા રોડ ઉપર કચરો નાખવામાં આવ્યો અથવા દુકાનની બહાર કચરો હોય તો તેના ફોટા પાડી અને સીલ મારી કાર્યવાહી કરવામાં આવતી હોય છે. દુકાનદાર પાસેથી દંડ પણ લેવામાં આવતો હોય છે પરંતુ શાસ્ત્રીનગર ચાયવાલે ભાજપના કાર્યકર્તાની માલિકીની દુકાન હોવાના કારણે ભાજપના નેતાઓના દબાણથી સીલ માર્યા વિના દંડ ભરવા અને નવું શૌચાલય બનાવવાની બાહેધરી આપતા માત્ર સામાન્ય દંડ લેવામાં આવ્યો છે. જો આજ રીતે નિયમ ભંગ કરનાર બીજા પણ દુકાનદારો તાત્કાલિક દંડ ભરવા તૈયાર હોય તો તેમની સીલ મારવામાં આવશે નહી તેને લઈને સવાલ છે.
આ પણ વાંચો, Entertainment: સાડીમાં માહિરા શર્માએ છત પર આપ્યા ગ્લેમરસ પોઝ, જુઓ તસવીરો