ગુજરાત પોલીસ વડાને એક્સટેન્શન મળવાની સંભાવના, 30 જૂનના રોજ થઈ રહ્યા છે વય નિવૃત

ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર, ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાયને એક્સટેન્શન મળવાની સંભાવના છે. એવા સમાચાર સામે આવ્યા છે કે વિકાસ સહાયને 3 મહિનાનું એક્સટેન્શન મળવાની સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે વિકાસ સહાય 30 જૂનના રોજ વય નિવૃત થઈ રહ્યા છે. ગુજરાત કેડરના 1989 બેચના અધિકારી ડીજીપી વિકાસ સહાય હાલમાં કાર્યરત છે, પરંતુ તેમને એક્સ્ટેન્શન મળવાની અટકળો ચાલી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા તેમને સ્પેશિયલ કેસમાં એક્સ્ટેન્શન મળવાની સંભાવના છે. જણાવી દઈએ કે ગૃહ વિભાગમાં IPSમાં સૌથી ઊંચો હોદ્દો DGP એટલે કે ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ એટલે કે રાજ્યના પોલીસવડાનો હોય છે.

ડીજીપી વિકાસ સહાયે રક્ષાશક્તિ યુનિવર્સિટી, કરાઇ પોલીસ એકેડમી સહિત સાઇડની જગ્યાઓ પર ફરજ બજાવી. તેઓ રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયા નિવૃત્ત થયા બાદ રાજ્યના ડીજીપી બન્યા હતા. તેઓ સિનિયોરિટીમાં આવતા હતા અને તેઓ નોકરીના સમયમાં નિર્વિવાદ રહ્યા છે. જો કે તેમના છેલ્લા કાર્યકાળ દરમિયાન એસએમસીની સીઆઇડી ક્રાઇમમાં તપાસ ચર્ચાનો વિષય બની હતી.

નોંધનીય છે કે રાજ્ય સરકારની ગુડ બુકમાં નામ ધરાવતા અને કડક અધિકારીની ઇમેજ ધરાવતા આઇપીએસ શિવાનંદ ઝા લાંબો સમય ડીજીપી રહ્યા હતા. કોરોના કાળ દરમિયાન તેમને એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. કોરોના કાળ દરમિયાન તેમણે પોલીસને ખડેપગે રાખીને કામગીરી કરાવી હતી. તેમના બાદ આઇપીએસ આશિષ ભાટિયાને ડીજીપી બનાવવામાં આવ્યા હતા. તેમને પણ બે વર્ષ કરતાં ઓછો સમય મળ્યો હતો. પછી નવી ગાઇડલાઇન પ્રમાણે તેમને પણ 2 વર્ષ કાર્યકાળ પૂરો કર્યા બાદ એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. જો ડીજીપી વિકાસ સહાયને એક્સટેન્શન આપવામાં આવે છે તો તેઓ ત્રીજા ડીજીપી હશે કે જેમને એક્સટેન્શન આપવામાં આવ્યું હોય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *