Weather update: અંબાલાલ પટેલે કહ્યુ- 13મી જૂને ગુજરાતમાં બેસી જશે ચોમાસું, આ તારીખોમાં ભારે વરસાદની આગાહી

ગુજરાત નજીક મહારાષ્ટ્ર સુધી આવીને નૈઋત્યનું ચોમાસું લગભગ 15 દિવસથી નિષ્ક્રિય થયું છે, ત્યારે હવે ચોમાસું ક્યારે સક્રિય થઈ આગળ વધશે અને વરસાદ પડતાં અસહ્ય બફારામાંથી રાહત મળશે, તે અંગે સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે. આવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી સામે આવી છે, જેમાં તેમણે ગુજરાતમાં ચોમાસાના આગમનની સાથે-સાથે કઈ-કઈ તારીખોમાં, ક્યાં-ક્યાં ભારે વરસાદ ખાબકી શકે છે, તેની પણ આગાહી કરી છે.

મોન્સૂન બ્રેકની સ્થિતિ અંગે અંબાલાલ પટેલે જણાવ્યું કે, આગામી 24 કલાકમાં ચોમાસું સક્રિય થશે. આજે 12 મી તારીખે દક્ષિણ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ થઈ શકે છે. 13મી જૂનથી દક્ષિણ ગુજરાતમાં ચોમાસું દસ્તક દઈ શકે છે. તારીખ 14 અને 15માં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. તારીખ 18થી 24 માં ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ પડી શકે છે.
તેમના જણાવ્યા અનુસાર, કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. કારણ કે બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે. આ સિસ્ટમને કારણે પૂર્વીય મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે સુરત, નવસારી, વલસાડ, ભરૂચના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.

દક્ષિણ ગુજરાત ઉપરાંત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની આગાહી કરતાં અંબાલાલ પટેલે જણાવ્યું કે, વડોદરા, આણંદ, અમદાવાદ,ગાંધીનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં પણ વરસાદ પડી શકે છે. હળવદ, સુરેન્દ્રનગર, થાનના ભાગોમાં હળવા વરસાદ થવાની શક્યતા રહેશે. વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા રહેશે.
નોંધનીય છે કે, ગુજરાતની વાત કરીએ તો અમદાવાદમાં પણ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ પહોંચી ગયું છે. ગુજરાતમાં ભેજનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે લોકો હવે વરસાદની રાહ જોઈ રહ્યા છે. ગઈકાલે બુધવારે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આગામી સાત દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ જામશે. આ સાથે 14થી 16 જૂન સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 30-40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગે આપેલા મેપ પ્રમાણે, આજે 12મી તારીખના રોજ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, સુરત, નર્મદા, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.

આ પણ વાંચો, Ahmedabad plane crash: 58,000 લિટર પેટ્રોલથી ભરેલું વિમાન ક્રેશ, 242 લોકોને લઈને જતા પ્લેનનો 5 KM સુધી સંભળાયો ધડાકો

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *