IPL 2025: મુંબઈ ઈન્ડિયન્સે ક્વોલિફાયર-2 માં જગ્યા બનાવી, ગુજરાતની સફર સમાપ્ત

મુંબઈ ઈન્ડિયન્સે એલિમિનેટર મેચમાં ગુજરાત ટાઇટન્સને 20 રનથી હરાવ્યું. આ સાથે મુંબઈની ટીમ બીજા ક્વોલિફાયરમાં પ્રવેશી ગઈ છે, જ્યાં તેનો સામનો પંજાબ કિંગ્સ સાથે થશે. એલિમિનેટર મેચમાં પહેલા રમતા મુંબઈએ 228 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ગુજરાત છેલ્લી ઓવર સુધી ચાલેલી મેચમાં ફક્ત 208 રન જ બનાવી શક્યું. આ મેચમાં રોહિત શર્મા અને સાઈ સુદર્શને જોરદાર અડધી સદીની ઇનિંગ્સ રમી હતી.
મુંબઈ ઇન્ડિયન્સ હવે બીજા ક્વોલિફાયરમાં પહોંચી ગયું છે. મુંબઈની ટીમ 1 જૂને ક્વોલિફાયર-2 મેચમાં પંજાબ કિંગ્સનો સામનો કરશે. આ એલિમિનેટર મેચમાં ગુજરાત ટાઇટન્સને 228 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. GT ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી કારણ કે કેપ્ટન શુભમન ગિલ માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ સાઈ સુદર્શન અને કુસલ મેન્ડિસે મળીને 64 રન ઉમેર્યા હતા, પરંતુ મેન્ડિસ 20 રન બનાવીને આઉટ થયો હતો.
સાઈ સુદર્શને વોશિંગ્ટન સુંદર સાથે મળીને 84 રનની ઝડપી ભાગીદારી કરી હતી, પરંતુ ગુજરાતની જીત સુનિશ્ચિત કરી શક્યા ન હતા. સુંદરે 24 બોલમાં 48 રનની તોફાની ઇનિંગ રમી હતી. સુંદરના આઉટ થયા પછી ગુજરાતે નિયમિત અંતરાલમાં વિકેટ ગુમાવી હતી. શેરફાન રધરફોર્ડ 24 રન બનાવીને અને શાહરુખ ખાન 13 રન બનાવીને આઉટ થયો હતો. રાહુલ તેવતિયા સેટ હોવા છતાં માત્ર 16 રન બનાવી શક્યો હતો.
રોહિત શર્માની ઈનિંગ સાઈ સુદર્શન પર ભારે પડી
સાઈ સુદર્શને એલિમિનેટર મેચમાં 49 બોલમાં 80 રન બનાવીને ગુજરાતની જીતની આશા જીવંત રાખી. સુદર્શને તેની ઇનિંગમાં 10 ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા. પરંતુ તેની મજબૂત ઇનિંગ રોહિત શર્માના 81 રનને પાછળ છોડી શકી નહીં. રોહિતે 50 બોલમાં 81 રન બનાવ્યા, જે દરમિયાન તેણે 9 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા.
રોહિત શર્મા અને જોની બેયરસ્ટોની ઓપનિંગ જોડીએ મુંબઈને ઝડપી શરૂઆત અપાવી હતી. બંને વચ્ચે પહેલી વિકેટ માટે 84 રનની ભાગીદારી થઈ હતી. સાઈ કિશોરે આ મેચમાં ડેબ્યૂ કરનાર બેયરસ્ટોને ગેરાલ્ડ કોએત્ઝીના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. તે 22 બોલમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 47 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી રોહિતની સાથે સૂર્યકુમાર યાદવ જોડાયો હતો. બંનેએ 34 બોલમાં 59 રન ઉમેર્યા હતા. આ દરમિયાન સૂર્યકુમારે 20 બોલનો સામનો કર્યો અને 33 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો.
આ પણ વાંચો, Weather update: ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાનું આગમન, વરસાદ ખેંચાશે ? જાણો શું કહે છે હવામાન મોડલ