Ahmedabad: વિધવા મહિલાને લગ્નની લાલચ આપી લાખો રૂપિયા અને સોનાના ઘરેણા લઈ ફરાર આરોપી ઝડપાયો

ઇસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એક સોસાયટીમાં પોતાની માતા અને બે પુત્રો સાથે રહેતા અને વિધવા જીવન ગુજારતા 41 વર્ષિય મહિલાનો જીવનસાથી મેરેજ એપ્લિકેશન મારફતે મુંબઈના આરોપી આર્યન સુરેશભાઈ પટેલ સાથે સંપર્ક થયો હતો. આરોપીએ સોશિયલ મીડિયા મારફતે વાતચીત કરી પોતાની પત્નીને છૂટાછેડા આપેલા હોવાનું જણાવી, જૂન 2024 દરમિયાન રૂબરૂ આવી, લોભામણી વાતો કરી, પોતે કરોડપતિ હોય એવો દેખાવ કરી, ગાંધીનગરમાં એક સાત કરોડ રૂપિયામાં વિલા બુક કરાવી, પોતાની ચેકબુકમાંથી 50 લાખનો ચેક આપી વિશ્વાસમાં લઈ એક વખત શરીર સંબંધ બાંધી, ઘરેથી ચાર લાખની ફિક્સ ડિપોઝિટ અને સોનાના ઘરેણા તથા ફરિયાદીની માતા, છોકરા, વિગેરેની પાસબુક દસ્તાવેજ લઈને પલાયન થઈ ગયો હતો. તેનો સંપર્ક કરતા સંબંધ જાહેર કરવાની તથા બદનામ કરવાની ધમકીઓ આપી હતી. આ અંગે ઈસનપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા, ઈસનપુર પીઆઈ બી.એસ.જાડેજા તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ તથા સ્ટાફની ટીમ દ્વારા પોકેટ કોપ એપ્લિકેશન આધારે આરોપી આર્યન સુરેશભાઈ પટેલ બાબતે સર્ચ કરી, માહિતી મેળવતા આ ગુનાનો આરોપી આર્યન પટેલ વડોદરા, સુરત, પોરબંદર, વિગેરે જગ્યાએ છેતરપિંડી, સહિતના આશરે પાંચેક ગુનાઓમાં પકડાયેલ આંતર જિલ્લા ગુન્હેગાર હોવાની માહિતી પોલીસને આંગળીના ટેરવે હાથ લાગી હતી. ઈસનપુર પોલીસ ટીમ દ્વારા ટેકનિકલ સોર્સ અને મળેલ બાતમી આધારે આરોપી આર્યન પટેલ સુરતમાં હોવાનો વિગતો મળતા, એક ટીમ સુરત ખાતે મોકલી, આરોપી આર્યન સુરેશભાઈ પટેલ ઉવ. 40 રહે. બોખીરા ગામ જી. પોરબંદરને સુરત ભેસ્તાન ખાતેથી પકડી પાડી, રાઉન્ડ અપ કરી, ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા આરોપી પાસેથી મોબાઇલ ફોન સહિત મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
પકડાયેલ આર્યન પટેલની પૂછપરછ કરતા, પોતે મૂળ પોરબંદર જિલ્લાના બોખીરા ગામનો વતની છે, પોતાના માતા પિતા સાથે સુરત ખાતે રહેતો હતો, સુરત યુનિ. ખાતે બીએસસી માઇક્રો બાયોલોજી સુધી ભણેલ છે અને લંડન ખાતે એમબીએ ફાઇનાન્સનો અભ્યાસ અને સાથે સાથે લંડન ખાતે બાર્કલીસ બેન્કમાં પીઆરઓ તરીકે નોકરી પણ કરતો હતો. તેના માતા પિતા વચ્ચે થયેલા ઝઘડાના કારણે તેની માતાએ સ્યુસાઇડ કરતા તે પોતાના પિતા સાથે કોઈ સંબંધ રાખતો ન હતો અને મુંબઈ રહેવા ગયો હતો. ત્યાં ખાનગી કોલ સેન્ટર કંપનીમાં નોકરી દરમિયાન રાજસ્થાનની યુવતી સાથે લગ્ન કરેલા અને એક દીકરો અને દીકરીના જન્મ થયો હતો. ત્યારબાદ તેને પોતાની પત્ની સાથે અણબનાવ થતા, છટાછેડા આપ્યા હતા. ત્યારબાદ એકલો જ રહે છે. સને 2014 ની સાલમાં આશરે અઢી કરોડની છેતરપિંડી અંગે બે ગુન્હાઓ બોરીવલી મુંબઈ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલો અને ત્રણ વર્ષ જેલમાં રહ્યો હતો. પકડાયેલા આરોપી વિરુદ્ધ સને 2019 અને 2022 માં સુરત શહેર ખાતે પણ ઉમરા પોલીસ સ્ટેશન ખાતે લૂંટ, અપહરણ, મારામારી અને છેતરપિંડીના બે ગુન્હાઓમાં પકડાયેલો અને લૂંટ, અપહરણના ગુન્હામાં પણ ત્રણ વર્ષ સુધી જેલમાં રહેલો અને 2022 માં છૂટ્યો હતો. ત્યારબાદ જૂન 2024 માં જીવનસાથી ઓન લાઇન એપ્લિકેશન મારફતે ફરિયાદી મહિલાને પુરુષની જરૂર હોવાથી, તે મોબાઇલથી સંપર્કમાં આવ્યો અને આચરવામાં આવેલ ગુન્હાની કબૂલાત કરવામાં આવી હતી. પકડાયેલો આરોપી ભૂતકાળમાં મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈ ખાતે બોરીવલી પોલીસ સ્ટેશન ખાતે છેતરપિંડી ના બે ગુનાઓમાં, સુરત શહેર ખાતે લૂંટ, અપહરણ, મારામારી અને છેતરપિંડીના બે ગુનાઓમાં, પોરબંદર જિલ્લામાં મહિલા પોલીસ સ્ટેશન ખાતે ચાંદીની છેતરપિંડીમાં, વડોદરા ખાતે સામાન્ય મારામારી સહિત છ (અડધો ડઝન) ગુન્હાઓમા પકડાયેલ આંતર રાજ્ય ગુન્હેગાર હોવાની પણ કબૂલાત કરવામાં આવેલ હતી.
આરોપી દ્વારા ભૂતકાળમાં પોતે જણાવેલા ગુન્હાઓ સિવાય અન્ય કોઈ ગુન્હાઓ આચરેલા છે કે કેમ..? કોઈ ગુન્હામાં વોન્ટેડ કે પકડવાનો બાકી છે કે કેમ..? આ જ મોડસ ઓપરેન્ડીથી બીજી કોઈ મહિલા સાથે છેતરપિંડી કરવામાં આવેલ છે કે કેમ ? વગેરે મુદાઓ સંબંધે સઘન પૂછપરછ હાથ ધરી, પોલીસ રિમાન્ડ ઉપર મેળવવા ઈસનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ બી.એસ.જાડેજા તથા સ્ટાફ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.