Ahmedabad: CM Bhupendra Patel 50 કરોડ મોટરસાઇકલના ઉત્પાદનની માઈલસ્ટોન ઉજવણીમાં સહભાગી થયા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ જિલ્લાના વિઠલાપુર ખાતે હોન્ડા મોટરસાઇકલ કંપની દ્વારા વૈશ્વિક સ્તરે ૫૦ કરોડ યુનિટ ઉત્પાદનની અને ભારતમાં ૭ કરોડ યુનિટ ઉત્પાદન કરવાની માઈલસ્ટોન સિધ્ધીના ઉજવણી પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીએ ‘ઓપરેશન સિંદૂર’ની ભવ્ય સફળતા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય સેનાના જવાનોને અભિનંદન પાઠવી જણાવ્યું કે હોન્ડા મોટરસાયકલ કંપનીએ પણ વિશ્વમાં ૫૦ કરોડ અને ભારતમાં ૭ કરોડ ટુ-વ્હીલર ઉત્પાદન કરવાની સિદ્ધિ મેળવી છે એ ગૌરવપૂર્ણ ઘટના માટે ખૂબ અભિનંદનને પાત્ર છે.

તેમણે કહ્યું કે આજથી બે-અઢી દાયકા પહેલાં ગુજરાતમાં ઓટોમોબાઇલ ક્ષેત્રની કોઈ ચર્ચા જ નહોતી. ૨૦૦૧માં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી તરીકેનું સેવાદાયિત્વ સંભાળ્યું એ પછી રાજ્યમાં તમામ ક્ષેત્રોની જેમ ઓટોમોબાઇલ ક્ષેત્રમાં પણ ઇકોસિસ્ટમ વિકાસાવી છે. એક સમયે આ વિસ્તારમાં જ્યાં વિકાસની કોઈ સંભાવના નહોતી, એવો આ માંડલ-બેચરાજી-વિઠલાપુરનો વિસ્તાર આજે ઓટોમોબાઈલ હબ બન્યો છે. તેના મૂળમાં વડાપ્રધાનની વિઝનરી લીડરશીપ છે.

ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ‘મેક ઇન ઇન્ડિયા, મેઈડ ફોર ધ વર્લ્ડ’ સૂત્ર દ્વારા ભારતે આજે ગ્લોબલ ઇકોનોમીમાં મજબૂત ભાગીદારી બનાવી છે. માંડલ-બેચરાજી-વિઠલાપુરના ઓટો હબના ઉદ્યોગોએ સૂત્રને સાકાર કરે છે. વાયબ્રન્ટ ગુજરાત સમિટની પ્રથમ શ્રેણીથી જ જાપાન ગુજરાતના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભાગીદાર રહ્યું છે તેમ જણાવી તેમણે કહ્યું કે, વિઠલાપુર ખાતે હોન્ડાનો ચોથો પ્લાન્ટ શરૂ થતાં આ પ્લાન્ટ વિશ્વનો સૌથી મોટો ઓટોમોબાઇલ પ્લાન્ટ બનશે. જેનાથી ૧૮૦૦ જેટલી નવી રોજગારીનું સર્જન થશે. તેની સાથે આ પ્લાન્ટ મહત્ત્વના નિકાસકાર તરીકે ઊભરી આવશે.

મુખ્યમંત્રીએ બદલાતાં પર્યાવરણીય પરિપ્રેક્ષ્યમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પર ભાર મૂકીને ઝીરો કાર્બન ઉત્સર્જનના વડાપ્રધાને આપેલાં સંકલ્પમાં જોડાવાની સૌને અપીલ કરી હતી. આ પ્રસંગે ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવ મમતા વર્મા, ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપ, અમદાવાદ જિલ્લા પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ સહિત કંપનીના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો, PM MODI: ગુજરાતનાં 18 રેલવે સ્ટેશનોનું PM મોદીએ વર્ચ્યુઅલી ઉદ્ધાટન કર્યું, લીંબડીમાં મુખ્યમંત્રી હાજર રહ્યા