GST Collection: દેશમાં એપ્રિલમાં અત્યાર સુધીનું સૌથી વધારે GST કલેક્શન,સરકારની તિજોરી છલોછલ ભરાઈ

નવા મહિનાની શરૂઆત સાથે જ દેશ માટે સારા સમાચાર આવ્યા છે. એપ્રિલ મહિના દરમિયાન GST કલેક્શન (GST Collection)માં શાનદાર વધારો થયો છે. આ વધારા સાથે જીએસટી કલેક્શન રેકોર્ડ હાઈ લેવલ પર પહોંચી ગયું છે. સરકારી આંકડા અનુસાર, એપ્રિલમાં GST કલેક્શન વાર્ષિક ધોરણે 12.6 ટકા વધીને 2.37 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ હાઈ લેવલ પર પહોંચી ગયું છે.
આ પહેલા સૌથી વધુ જીએસટી કલેક્શન એપ્રિલ 2024માં થયું હતું, જે 2.10 લાખ કરોડ રૂપિયા હતું. જોકે, હવે આ રેકોર્ડ પણ તૂટી ગયો છે. માર્ચ 2025માં આ કલેક્શન 1.96 લાખ કરોડ રૂપિયા હતું. ઘરેલું લેવડ-દેવડથી જીએસટી આવક 10.7 ટકા વધીને લગભગ 1.9 લાખ કરોડ રૂપિયા થઈ, જ્યારે આયાતી વસ્તુઓમાંથી આવક 20.8 ટકા વધીને 46,913 કરોડ રૂપિયા થઈ છે.
સરકારી આંકડા અનુસાર, માર્ચમાં આ કલેક્શન 1.96 લાખ કરોડ રૂપિયા હતું, જે ગત વર્ષની સરખામણીએ 9.9%નો વધારો દર્શાવે છે. ફેબ્રુઆરીમાં જીએસટી કલેક્શન 1.83 લાખ કરોડ રૂપિયા હતું, જેમાં વાર્ષિક ધોરણે 9.1%નો વધારો થયો હતો. જીએસટી કલેક્શનમાં દર મહિને થઈ રહેલા વધારાનું મુખ્ય કારણ દેશમાં ઘરેલું માંગમાં વધારો છે.
આ પણ વાંચો, Ahmedabad: 2 અને 3 મેના રોજ આ વિસ્તારોમાં ગુલ થશે વીજળી, ભર ઉનાળે પરેસેવે રેબઝેબ થશે અમદાવાદીઓ