Gujarat: મુખ્યમંત્રીના હસ્તે રાજ્યના ૧૩ લાખથી વધુ વિદ્યાર્થીઓને ૩૧૩ કરોડથી વધુની DBT દ્વારા સહાય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની શાળાઓના ૧૩ લાખથી વધુ વિદ્યાર્થીઓને કુલ રૂપિયા ૩૧૩ કરોડની સહાય નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના અને મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના અન્વયેની રકમ સિંગલ ક્લિક દ્વારા DBTથી વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરાવી હતી. રાજ્ય સરકારે યોજનાઓના લાભ સંબંધિત લાભાર્થીઓને સરળતાથી પહોંચે તેવો ટ્રાન્સપરેન્ટ, સ્પીડી અને ટેકનોલોજી યુક્ત ગવર્નન્સનો અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષણ મંત્રી ડો.કુબેરભાઈ ડિંડોર અને શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા આ સહાય અર્પણ કરી હતી.

નમો લક્ષ્મી યોજના રાજ્ય સરકારે ધોરણ ૯થી ૧૨માં અભ્યાસ કરતી કન્યાઓનો ડ્રોપ આઉટ રેટ ઘટે તેમજ કિશોરવયની વિદ્યાર્થિનીઓને શિક્ષણની સાથોસાથ પૂરતું પોષણ મળે અને તેઓનું સશક્તિકરણ થાય તે હેતુંથી કાર્યરત કરી છે. આ અંતર્ગત ધો.૯-૧૦ માટે વિદ્યાર્થિની દીઠ વાર્ષિક રૂ.૧૦ હજાર તથા ધો.૧૨-૧૨ માટે વાર્ષિક રૂ.૧૫ હજારની સહાય આપવામાં આવે છે. આ યોજના અન્વયે મુખ્યમંત્રીના હસ્તે ગુરૂવારે ૧૦.૭૦ લાખ કન્યા છાત્રાઓને રૂ.૨૦૩ કરોડ સિંગલ ક્લિક દ્વારા DBT થી સીધા ખાતામાં ચૂકવવામાં આવ્યા છે.

ધોરણ ૧૦ પાસ કર્યા પછી રાજ્યના વધુ ને વધુ વિદ્યાર્થીઓને ધોરણ ૧૧-૧૨ માટે વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા માટે પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા ગત વર્ષે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના લાગુ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ધો. ૧૧ અને ૧૨માં વિજ્ઞાન પ્રવાહમાં ભણતા વિદ્યાર્થીઓને બે વર્ષ દરમિયાન કુલ રૂ.૨૫ હજારની આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજનાના પણ હકારાત્મક પરિણામો જોવા મળ્યા છે. મુખ્યમંત્રીએ ગુરૂવારે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો વિજ્ઞાન પ્રવાહના ૧.૫૦ લાખ જેટલા વિદ્યાર્થીઓ – વિદ્યાર્થીનીઓને રૂ. ૫૧ કરોડની સહાય સીધી બેંક ખાતામાં ટ્રાન્સફર કરી છે. જૂન-૨૦૨૪માં શૈક્ષણિક સત્ર શરૂ થયા પછીના ફક્ત ૬ જ મહિનામાં, એટલે કે ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં વિજ્ઞાન પ્રવાહના વર્ગખંડોમાં ૮૦થી ૧૦૦% હાજરી આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૧૮%થી વધીને ૪૪% થઈ છે. એટલે કે, શાળાઓમાં વધુ હાજરી આપતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ૨૫%નો વધારો નોંધાયો છે.

મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના અન્વયે ધો.૧ થી ૮માં સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં સળંગ અભ્યાસ કર્યો હોય તેવા અને RTE અંતર્ગત અભ્યાસ પૂર્ણ કર્યો હોય તેવા રાજ્યના ૨૫ હજાર તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવે છે. આ યોજના અન્વયે ગુરૂવાર તા.૨૭ ફેબ્રુઆરીના ૫૦ હજાર વિદ્યાર્થીઓને કુલ રૂ. ૩૩ કરોડથી વધુની સ્કોલરશીપ ચુકવવામાં આવી છે. તે ઉપરાંત ધો. ૧ થી ૫ માં સળંગ અભ્યાસ કરી ધો.૫ નો અભ્યાસ પૂર્ણ કરેલા હોય તેવા વિદ્યાર્થીઓ પૈકીના તેજસ્વી વિદ્યાર્થીઓ મેરીટના ધોરણે રાજ્યમાં કાર્યરત શાળાઓમાં ધોરણ-૬ માં પ્રવેશ મેળવી ધોરણ-૧૨ સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ૩૦ હજાર તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત ૬૦ હજાર વિદ્યાર્થીઓને રૂ. ૨૬ કરોડથી વધુની સ્કોલરશીપ ગુરૂવારે ડાયરેક્ટ બેનિફિટ સિસ્ટમથી એનાયત કરી હતી.

આ પણ વાંચો, Ahmedabad: અમદાવાદના જોધપુર પાસે આવેલા શિવાય રુદ્રાક્ષ શોરુમમાં મહાશિવરાત્રિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *