મોદી 2 દિવસના અમેરિકા પ્રવાસે પહોંચ્યા:ટેરિફ-ગેરકાયદે ઈમિગ્રન્ટ્સના મુદ્દે વાતચીત,ટ્રમ્પ સાથે મુલાકાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસની ફ્રાન્સ મુલાકાત બાદ બુધવારે અમેરિકા પહોંચ્યા. અમેરિકા પહોંચ્યા બાદ પીએમ મોદી યુએસ નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડને મળ્યા. યુએસ સંસદના ઉપલા ગૃહ સેનેટે ગઈકાલે એટલે કે બુધવારે 52ની સામે 48 મતથી રાષ્ટ્રીય ગુપ્તચર નિર્દેશક તરીકે તુલસી ગબાર્ડની નિમણૂકને સમર્થન આપ્યું હતું. 2 દિવસના અમેરિકા પ્રવાસ દરમિયાન ટ્રમ્પ સાથે મુલાકાત અને પ્રાઇવેટ ડિનરની સાથે ટેરિફ-ગેરકાયદે ઈમિગ્રન્ટ્સના મુદ્દે પણ વાતચીત થશે. આ ઉપરાંત, તેઓ ઘણા ઉદ્યોગપતિઓ અને ભારતીય સમુદાયના લોકોને પણ મળશે. તો આવો જાણીએ PMના 36 કલાકના US પ્રવાસનું શિડ્યુલ…
PM મોદીના અમેરિકા પ્રવાસનો કાર્યક્રમ
- પીએમ મોદીના એજન્ડામાં 6 દ્વિપક્ષીય બેઠકો છે.
- પીએમ મોદી બુધવારે સાંજે વોશિંગ્ટન ડીસીમાં જોઈન્ટ બેઝ એન્ડ્રુઝ ખાતે ઉતર્યા હતા.
- પીએમ મોદી ગુરુવારે સાંજે 4 વાગ્યે (અમેરિકન સમય) વ્હાઇટ હાઉસ ખાતે રાષ્ટ્રપતિ ટ્રમ્પને મળશે.
- અમેરિકામાં ગુરુવારે સાંજે યુએસ રાષ્ટ્રપતિ દ્વારા પીએમ મોદી માટે એક પ્રાઇવેટ ડિનર રાખવામાં આવ્યું છે.
- ટ્રમ્પ અને મોદી શુક્રવારે ઓવલ ઓફિસમાં મીડિયાને સંબોધિત કરશે. આ પછી પીએમ મોદી અમેરિકાથી રવાના થશે.
- ટ્રમ્પ સાથે ડિનર કરશે પીએમ મોદી
- મીડિયા રિપોર્ટ્સ અનુસાર મોદીનું પ્રતિનિધિમંડળ કુલ 6 બેઠકોમાં હાજરી આપશે. મોદીની છેલ્લી મુલાકાત ગુરુવારે સાંજે 4 વાગ્યે (ભારતીય સમય મુજબ શુક્રવારે સવારે 2:30 વાગ્યે) થશે. આ પછી મોદી અમેરિકી રાષ્ટ્રપતિ સાથે રાત્રિભોજન કરશે.
- મોદી અને ટ્રમ્પ વ્હાઇટ હાઉસ ખાતે મીડિયા સાથે પણ વાતચીત કરી શકે છે. મોદીની અમેરિકા મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે શહેરમાં બરફવર્ષા અને કરા પડવાને કારણે ઠંડીનો પ્રકોપ છે. તેઓ પ્રેસિડેન્ટ ગેસ્ટ હાઉસ એટલે કે વૈભવી બ્લેર હાઉસમાં રહેશે. તે વ્હાઇટ હાઉસની સામે જ છે. આ ગેસ્ટ હાઉસમાં વિશ્વના નેતાઓ રોકાય છે.