ભારતીય સેનાની દરેક હિલચાલ પર હતી ચીનની નજર, ૩ જાસૂસી ઉપગ્રહોએ ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન ગુજરાતને બનાવ્યું હતું નિશાન!

‘ઓપરેશન સિંદૂર’ને લઈને ફરી એકવાર મોટો ખુલાસો થયો છે. ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન કચ્છ સહિત ગુજરાતના સંવેદનશીલ દરિયાકાંઠા અને સરહદી વિસ્તારો પર ચીનના ત્રણ અત્યાધુનિક જાસૂસી ઉપગ્રહો દ્વારા દેખરેખ રાખવામાં આવી હોવાના અહેવાલો સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
બેંગલુરુ સ્થિત અંતરિક્ષ દેખરેખ કંપની ‘ડિગંતારા’ (Digantara) ના અહેવાલને ટાંકીને ‘ધ પ્રિન્ટ’માં પ્રકાશિત માહિતી મુજબ ચીનના નિન્શિયા-14, ગાઓફેન-11 અને યાઓગાન-30 ઉપગ્રહોએ ખાસ કરીને ભુજ, નલિયા અને જામનગર પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું હોવાનો ખુલાસો કર્યો છે. અહેવાલમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા પહેલગામ આતંકી હુમલાના 6 દિવસ અગાઉ એક ચીની ઉપગ્રહે પહેલગામ વિસ્તાર પરથી પસાર થવાની પોતાની ગતિવિધિ બમણી કરી દીધી હતી.
અહેવાલ અનુસાર, 10 અને 11 મે દરમિયાન આ ઉપગ્રહોની ગુજરાતના દરિયાકાંઠા પર વિશેષ સક્રિયતા જોવા મળી હતી. આ ઉપગ્રહો હિંદ મહાસાગરથી લઈને ભારતના આંતરિક ભાગો સુધી આર્મી, એરફોર્સ અને નેવીની હિલચાલ તેમજ મહત્ત્વપૂર્ણ માળખાગત સુવિધાઓનું નિરીક્ષણ કરવાની ક્ષમતા ધરાવે છે.
આ ઉપગ્રહો પાસે ઉચ્ચ ગુણવત્તાવાળા ફોટા પાડવાની સાથે રેડિયો ફ્રીક્વન્સી અને ઇલેક્ટ્રોનિક સિગ્નલોનું નિરીક્ષણ કરવાની ટેકનોલોજી પણ છે. તેના માધ્યમથી લશ્કરી મથકો, એરબેઝ, બંદરો, જહાજોની અવરજવર અને મહત્ત્વપૂર્ણ ઔદ્યોગિક એકમોની ગતિવિધિઓ પર નજર રાખી શકાય છે. પાકિસ્તાનની સરહદને અડીને આવેલા કચ્છના ભુજ અને નલિયામાં ભારતીય વાયુસેનાના મહત્ત્વપૂર્ણ મથકો આવેલા હોવાથી તેનું વ્યૂહાત્મક મહત્ત્વ ખૂબ જ વધારે છે. ઓપરેશન સિંદૂર દરમિયાન ભુજ, નલિયા અને કચ્છના સરહદી વિસ્તારોમાં હવાઈ હુમલાની ચેતવણીઓ, સાવચેતીના ભાગરૂપે બ્લેકઆઉટ તેમજ હવાઈ અને બંદર સેવાઓ પર અસર જોવા મળી હતી.
ઉચ્ચ-રિઝોલ્યુશન વિઝ્યુઅલ ઇમેજિંગ ઉપગ્રહો અવકાશમાંથી પૃથ્વીની સપાટીની અત્યંત સ્પષ્ટ અને વિગતવાર તસવીરો લઈ શકે છે. કેટલાક અદ્યતન ઉપગ્રહોની છબીઓનું રિઝોલ્યુશન એક મીટર કે તેથી પણ ઓછા સ્તર સુધી પહોંચી શકે છે. આવી ક્ષમતા દ્વારા લશ્કરી પ્રવૃત્તિઓ અને શસ્ત્રોની જમાવટ પર નજર રાખી શકાય છે. ત્યારબાદ લશ્કરી સ્થાપનો અને માળખાગત સુવિધાઓનો ચોક્કસ નકશો તૈયાર કરી શકાય છે. મળતી વિગતોના આધારે લક્ષ્યોની ઓળખ અને ચોકસાઈભરી કામગીરીમાં મદદ મળી શકે છે.
ઇલેક્ટ્રોનિક ઇન્ટેલિજન્સ ઉપગ્રહો અવકાશમાંથી ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ અને વિવિધ ઇલેક્ટ્રોનિક સિગ્નલો મેળવીને તેનું વિશ્લેષણ કરે છે. તેમનું મુખ્ય કાર્ય ચોક્કસ વિસ્તારમાં કાર્યરત રડાર તેમજ અન્ય લશ્કરી અને નાગરિક ઇલેક્ટ્રોનિક ઉપકરણોની પ્રવૃત્તિઓ પર નજર રાખવાનું છે. આ ઉપગ્રહો વિવિધ ફ્રીક્વન્સી રેન્જમાંથી આવતા સિગ્નલો પકડીને રડારના પ્રકાર અને સ્થાનની ઓળખ કરવામાં મદદ કરે છે, જેના આધારે પ્રતિકારક રણનીતિ ઘડી શકાય છે.
અહેવાલ મુજબ, દરેક ઉપગ્રહની ભૂમિકા અલગ-અલગ રીતે સંવેદનશીલ છે. નિન્શિયા-14ની વાત કરીએ તો તે રેડિયો અને ઇલેક્ટ્રોમેગ્નેટિક સિગ્નલ્સનું નિરીક્ષણ કરવાની ક્ષમતા ધરાવે છે. ગાઓફેન-11 ઉચ્ચ ગુણવત્તાની તસવીરો દ્વારા હવાઈ મથકો, વિમાનો, જહાજો અને બંદરોની ગતિવિધિઓ પર નજર રાખે છે અને યાઓગાન-30 રડાર સિગ્નલ્સ સહિતની ઇલેક્ટ્રોનિક ગતિવિધિઓનું નિરીક્ષણ કરી શકે છે.