મોંઘવારીનો માર વેઠતી જનતાને વધુ એક ફટકો,અમૂલ ગોલ્ડના ભાવમાં પ્રતિ લીટર 4 રૂપિયાનો વધારો

આણંદ સ્થિત અમૂલ ડેરી દ્વારા દૂધના ભાવમાં ફરી એકવાર વધારો ઝીંકવામાં આવ્યો છે. આ નવા ભાવ વધારા અનુસાર, અમૂલ ગોલ્ડના ભાવમાં પ્રતિ લિટર ₹4 (5.5 ટકા) નો વધારો કરાયો છે, જેના કારણે હવે અમૂલ ગોલ્ડનો જૂનો ભાવ ₹70 થી વધીને ગ્રાહકોને ₹74 પ્રતિ લિટર ચૂકવવા પડશે. આ ઉપરાંત, અમૂલ તાજા દૂધના ભાવમાં પણ પ્રતિ લિટર ₹2 (3.3 ટકા) નો વધારો કરવામાં આવ્યો છે. લીલા અને સૂકા ઘાસચારા, પશુ આહાર તેમજ પેકિંગ ખર્ચમાં થયેલા વધારાને કારણે આ નિર્ણય લેવાયો છે. દૂધમાં કરવામાં આવેલો આ નવો ભાવ વધારો 12 નવેમ્બરથી અમલમાં આવી ગયો..
હવે દરરોજની ચા અને કોફી તમારા ખિસ્સા પર મોંઘી પડવાની છે. આજે સવારે જ મધર ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો હતો. જે બાદ હવે દેશની મુખ્ય ડેરી અમૂલે પણ દૂધના ભાવ વધારવાનો નિર્ણય લીધો છે. અહેવાલો મુજબ, અમૂલ ગોલ્ડ દૂધની કિંમતમાં 4 રૂપિયા પ્રતિ લિટર અને અમૂલ તાજાની કિંમતમાં 2 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે.
આ નિર્ણયની અસર એવા પરિવારના માસિક બજેટ પર પડી શકે છે, જેમના ઘરમાં દરરોજ અમૂલ દૂધનો ઉપયોગ થાય છે. ખાસ કરીને ચા, કોફી, બાળકોનું દૂધ અને બીજી જરૂરિયાતો માટે દરરોજ દૂધ ખરીદતા લોકોને હવે પહેલા કરતાં વધુ ખર્ચ કરવો પડશે.