સુરતમાં ‘સુહાસ ઘી’ ખાતા લોકો સાવધાન! તેલ ભેળવી બનતું નકલી ઘી ઝડપાયું, 18.21 લાખનો સામાન જપ્ત

સુરત શહેરમાંથી સામાન્ય જનતાના આરોગ્ય સાથે ચેડાં કરવાનું વધુ એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. ઉત્રાણ વિસ્તારમાં શુદ્ધ ગાયના ઘીના નામે ભેળસેળયુક્ત નકલી ઘી બનાવતી એક ફેક્ટરીનો ફૂડ સેફ્ટી વિભાગે મોટો પર્દાફાશ કર્યો છે.

લોકોના સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડતા આ કાળા કારોબારનો ખુલાસો થતાં સ્થાનિક ગ્રાહકોમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે.

થોડા સમય અગાઉ આરોગ્ય વિભાગની ફૂડ સેફ્ટી ટીમે ચોક્કસ બાતમીના આધારે આ ફેક્ટરી પર ઓચિંતા દરોડા પાડ્યા હતા. ત્યાંથી “સુહાસ ગાય ઘી” ના નામે વેચાતા ઘીના શંકાસ્પદ સેમ્પલ લેવામાં આવ્યા હતા.

આ ઘીના નમૂનાઓને સઘન ચકાસણી માટે સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. લેબોરેટરીના રિપોર્ટમાં આ ઘી સબસ્ટાન્ડર્ડ એટલે કે તદ્દન હલકી ગુણવત્તાવાળું અને ભેળસેળવાળું હોવાનું સાબિત થયું હતું.

નમૂનાઓ સબસ્ટાન્ડર્ડ જાહેર થતાં જ ફૂડ સેફ્ટી વિભાગે તાત્કાલિક અસરથી કાયદેસરની અને કડક કાર્યવાહી હાથ ધરી હતી.

આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન એવો ચોંકાવનારો ખુલાસો થયો હતો કે આરોપીઓ શુદ્ધ ઘી બનાવવાને બદલે રિફાઈન્ડ સોયાબીન તેલ અને વનસ્પતિ ઘીનો વ્યાપક ઉપયોગ કરતા હતા.

આરોગ્ય વિભાગની ટીમે આ સમગ્ર કૌભાંડ મામલે 4 શખ્સો સામે કડક કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. આ ઝડપાયેલા આરોપીઓમાં સન્ની મોદી, કિશન મોદી, કલ્પેશ મોદી અને જીમીત પઢીયારનો સમાવેશ થાય છે.

પ્રાથમિક તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે આ કૌભાંડ આચરનારા તમામ 4 આરોપીઓ મૂળ બનાસકાંઠા જિલ્લાના રહેવાસી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *