“મોદી સરકારના 200 અધિકારીઓ અમારા સંપર્કમાં!” ED-CBIના દાવા સાથે રાહુલ ગાંધીનો સૌથી મોટો ધડાકો!

ચૂંટણીમાં ગેરરીતિ અને ‘વોટ ચોરી’ના આક્ષેપોને લઈને દિલ્હીમાં ભારે રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે. INDIA ગઠબંધનના નેતાઓએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ મોરચો માંડીને સુપ્રીમ કોર્ટ તરફ માર્ચ શરૂ કરી દીધી છે. રાહુલ ગાંધી સહિત વિપક્ષી ગઠબંધનના 8 જેટલા મોટા નેતાઓ જાતે સુપ્રીમ કોર્ટ પહોંચીને અરજી દાખલ કરવાની તૈયારીમાં છે. આ માર્ચ શરૂ કરતા પહેલાં લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા હતા.
કેન્દ્ર સરકારને સીધો પડકાર ફેંકતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘હું નરેન્દ્ર મોદીને સ્પષ્ટ જણાવી દેવા માંગુ છું કે તમારી સરકારના લગભગ 200 અધિકારીઓ અમારા સંપર્કમાં છે અને તેઓ અમને સતત અંદરની માહિતી આપી રહ્યા છે. આ અધિકારીઓમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED), CBI અને વિદેશ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ પણ સામેલ છે.’
રાહુલ ગાંધીએ એમ પણ ઉમેર્યું કે ચૂંટણીમાં ગેરરીતિઓ સામે વિપક્ષે છેડેલા અભિયાનને કારણે મુખ્ય ચૂંટણી કમિશનરની ઊંઘ ખરાબ થઈ ગઈ છે. પત્રકારોના પ્રશ્ન પર તેમણે એવો પણ દાવો કર્યો હતો કે તેમને ખુદ જ્ઞાનેશ કુમાર તરફથી સંદેશાઓ મળી રહ્યા છે.
રાજધાની દિલ્હીમાં કડક સુરક્ષા વ્યવસ્થાને લઈને સવાલ ઉઠાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘દિલ્હીમાં ઘણા દિવસોથી વોટોની ચોરી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. સવાલ એ છે કે દિલ્હીને જેલમાં કેમ ફેરવી દેવામાં આવી છે? લોકોને શહેરમાં આવતા રોકવામાં આવી રહ્યા છે, ટ્રેનો અને બસોમાં અટકાવાઈ રહ્યા છે. બધે જ પોલીસ તહેનાત છે અને દિલ્હીને એક કિલ્લા જેવું બનાવી દેવાયું છે.’
પોલીસ તહેનાતી અંગે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા લોકસભામાં વિરોધ પક્ષના નેતાએ કહ્યું કે, ‘અમે ઇચ્છીએ છીએ કે રસ્તાઓ પર 20,000થી 30,000 પોલીસકર્મીઓ તહેનાત કરવામાં આવે. સરકાર બહુ મોટી ભૂલ કરી રહી છે, કારણ કે અમે આખા દેશને બતાવવા માંગીએ છીએ કે પીએમ મોદી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની સુરક્ષા સુનિશ્ચિત કરવા માંગે છે. તેમને જેટલી વધારે સુરક્ષા મળશે, અમે આખરે તેમના કંટ્રોલર સુધી એટલી જ સરળતાથી પહોંચી શકીશું. અમને એવા સમાચાર પણ મળી રહ્યા છે કે પોલીસકર્મીઓ પોતે હેરાન છે, કારણ કે તેમને યુવાનો પર લાઠીચાર્જ કરવાનો આદેશ અપાયો છે જ્યારે RSSના સભ્યોને છૂટો દોર આપવાના નિર્દેશો અપાયા છે.’
ચૂંટણી કમિશનરની ભૂમિકા સામે આકરા સવાલો કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘આ બધું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે અમે એ જ સવાલ ઉઠાવી રહ્યા છીએ જે બે ચૂંટણી કમિશનરોએ પૂછ્યો હતો કે, જ્ઞાનેશ કુમાર રાજીનામું કેમ નથી આપી રહ્યા? જ્ઞાનેશ કુમાર, તમારી ઊંઘ ઊડી ગઈ છે, અમે તમને છોડીશું નહીં… અમને તમારા ભૂતકાળ અને તમારા ભ્રષ્ટાચાર વિશે બધી જાણ છે, અને અમે યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા છીએ.’
CJI સાથેના પત્રવ્યવહાર વિશે માહિતી આપતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘કોંગ્રેસ અધ્યક્ષ અને મેં મુખ્ય ન્યાયાધીશને પત્ર લખીને ભારતીય લોકશાહીની હત્યા અને ચૂંટણીની નિષ્પક્ષતા અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. CJI તરફથી અમને જવાબ મળ્યો અને અરજી દાખલ કરવાનો નિર્દેશ અપાયો છે. આજે INDIA ગઠબંધનના તમામ નેતાઓ અને હું સાથે મળીને સુપ્રીમ કોર્ટ જઈ રહ્યા છીએ અને આ અરજી દાખલ કરીશું.’
પોલીસ અને જનતાના સમર્થનનો દાવો કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘50% પોલીસકર્મીઓ અમને કહી રહ્યા છે કે અમે જે કરી રહ્યા છીએ તે સાચું છે અને અમારે આ લડત ચાલુ રાખવી જોઈએ. એક તરફ પોલીસ, ITBP, CRPF અને ભારતના સામાન્ય નાગરિકો છે, જ્યારે બીજી તરફ નરેન્દ્ર મોદી, અમિત શાહ, અજીત ડોભાલ, જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી પંચના 4-5 સભ્યો છે જે વોટ ચોરી કરીને આખા દેશને હાઇજેક કરવામાં મદદ કરી રહ્યા છે. અમે આ બંને પક્ષો વચ્ચેનું અંતર સતત વધારી રહ્યા છીએ.’