ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો પર કાલે મતદાન,નવરાત્રિ અને સનાતન ધર્મને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આવતીકાલે શહેરના 11 વોર્ડની 44 બેઠકો માટે યોજાનારા મતદાનને પગલે વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે. તમામ 295 મતદાન મથકો પર ચૂંટણીલક્ષી પ્રક્રિયા આખરી તબક્કામાં પહોંચી ગઈ છે. જોકે, મતદાનના છેલ્લા કલાકો વચ્ચે નવરાત્રિમાં ગરબાના સમયગાળા અને સનાતન ધર્મના મુદ્દે સ્થાનિક રાજકારણમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તીખો વાકપ્રહાર જોવા મળી રહ્યો છે.
ગાંધીનગરના સેક્ટર-15 સ્થિત સરકારી વાણિજ્ય કૉલેજ ખાતે ડિસ્પેચિંગ સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. અહીંથી 39 વિશેષ બસો દ્વારા 11 વોર્ડના મતદાન મથકો સુધી EVM, મતદાન કુટિર અને જરૂરી ચૂંટણી સાહિત્ય સાથે પોલિંગ સ્ટાફને રવાના કરવામાં આવશે. મતદાન પ્રક્રિયા મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે આશરે 1570 કર્મચારીઓ ફરજ બજાવશે તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.કનિકલ ખામીઓને પહોંચી વળવા માટે 10 ટકા EVM મશીનો રિઝર્વ રાખવામાં આવ્યા છે અને કોઈ આકસ્મિક સ્થિતિ માટે 15 ટકા તાલીમબદ્ધ સ્ટાફને સ્ટેન્ડબાય રખાયો છે. ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર 6ના 17 મતદાન મથકો પર ઉમેદવારોની સંખ્યા વધુ હોવાના કારણે બે-બે બેલેટ યુનિટ ફાળવવામાં આવ્યા છે. તમામ EVMનું મોક પોલ, ટેસ્ટિંગ અને સીલિંગનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે.
નવરાત્રિ અને ગરબાના મુદ્દે રાજકારણ ગરમાયું
ભાજપના શહેર અધ્યક્ષ ડો. આશિષ દવેનો પ્રહાર:
ગાંધીનગર શહેર ભાજપ અધ્યક્ષ ડો. આશિષ દવેએ કોંગ્રેસ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે દેશની જનતા સનાતન ધર્મમાં માને છે અને શક્તિની આરાધના કરવો સૌનો અધિકાર છે. ભૂતકાળમાં પણ નવરાત્રિમાં ગરબાનો સમય વધારવાનો પ્રસંગ આવ્યો ત્યારે કેટલાક તત્વોએ વિરોધ કર્યો હતો. ગાંધીનગર મનપાના પ્રચાર દરમિયાન પણ કેટલાક લોકોએ આ જ પ્રકારનો સૂર વ્યક્ત કર્યો હતો, જેને ગાંધીનગરની જનતા ક્યારેય માફ નહીં કરે.
કોંગ્રેસ ચૂંટણી પ્રભારી જગત શુક્લાનો પલટવાર:
કોંગ્રેસના મહાનગરપાલિકા ચૂંટણી પ્રભારી જગત શુક્લાએ પલટવાર કરતા જણાવ્યું કે, નવરાત્રિમાં ગરબા ક્યાં સુધી ચાલુ રાખવા તેની સત્તા કોર્પોરેટરો પાસે હોતી નથી. સનાતન ધર્મમાં નવરાત્રિનું શું મહત્વ છે તે જનતા સારી રીતે જાણે છે, તેથી ભાજપ લોકોને ગુમરાહ કરવાનું બંધ કરે. તેમણે ઉમેર્યું હતું કે માલધારી સમાજની સભામાં નાયબ મુખ્યમંત્રીએ દાવો કર્યો હતો કે જો કોંગ્રેસના ઉમેદવારો જીતશે તો રાત્રે 12:00 વાગ્યા પહેલા ગરબા બંધ કરાવી દેશે, જે માત્ર આરોપબાજી છે.