નવરાત્રી બાદ વાવાઝોડાનો મોટો ખતરો! ખાડીમાં સર્જાઈ શકે છે ચક્રવાત, ચોમાસાની વિદાય વેળા અંબાલાલની વરસાદની ખરી આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે નવરાત્રીની આસપાસ ગુજરાતના હવામાનમાં મોટો પલટો આવી શકે છે, જેનાથી ગરબાના રંગમાં ભંગ પડવાની પૂરેપૂરી શક્યતા છે. પરંતુ ચિંતાનો વિષય માત્ર નવરાત્રી પૂરતો સીમિત નથી. અંબાલાલ પટેલે એક વધુ ભયજનક વરતારો આપ્યો છે. તેમની આગાહી મુજબ, નવરાત્રી પૂરી થયા બાદ બંગાળની ખાડીમાં એક મોટી સિસ્ટમ સક્રિય થઈ શકે છે. આ સિસ્ટમ ધીમે ધીમે વિકરાળ રૂપ ધારણ કરીને મોટા ચક્રવાત (વાવાઝોડા)માં ફેરવાઈ શકે છે. જો આમ થશે, તો નવરાત્રી પછી ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે હવામાનમાં ભયંકર પલટો જોવા મળી શકે છે.
ટૂંકમાં, ભાદરવાના તાપથી શેકાતા ગુજરાતીઓએ હાલ પૂરતું નવરાત્રીમાં વરસાદી વિઘ્ન માટે અને ત્યારબાદ સંભવિત ચક્રવાતના ખતરા માટે માનસિક રીતે તૈયાર રહેવું પડશે. ગુજરાતમાં હવે સત્તાવાર રીતે ચોમાસાની વિદાયની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. કચ્છ, નલિયા અને ડીસા સહિત ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસાએ સત્તાવાર વિદાય લીધી છે. આ પ્રક્રિયાની શરૂઆત વચ્ચે રાજ્યમાં સરેરાશ વરસાદમાં 9 ટકાની ઘટ નોંધાઈ છે. હવામાન વિભાગના મતે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં છૂટોછવાયો અને સામાન્ય વરસાદ પડવાની જ આગાહી છે, જ્યારે ભારે વરસાદની શક્યતાઓ હવે નહિવત્ છે.
ચોમાસું પાછું ખેંચાવાની સાથે જ ગુજરાતમાં ભાદરવા મહિનાના આકરા તાપથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, 25 સપ્ટેમ્બર સુધી ગરમીના પ્રમાણમાં સતત વધારો જોવા મળશે અને તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. 26થી 28 સપ્ટેમ્બર વચ્ચે ગરમીમાંથી આંશિક રાહત મળવાની શક્યતા છે, પરંતુ 29 અને 30 સપ્ટેમ્બરે ફરીથી ગરમીનો પારો ઉચકાશે. ઓક્ટોબર મહિનામાં પણ ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની સંભાવના છે, જેમાં ખાસ કરીને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીને પાર જઈ શકે છે.
ગુજરાતીઓનો સૌથી મોટો તહેવાર નવરાત્રી નજીક છે ત્યારે ખેલૈયાઓ માટે ચણિયાચોળી પહેરવી કે રેઈનકોટ, તે એક મોટો પ્રશ્ન બની ગયો છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, 10 ઓક્ટોબર પછી રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવી શકે છે. બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની પ્રબળ શક્યતાઓને પગલે નવરાત્રી દરમિયાન હવામાનમાં ફેરફાર થઈ શકે છે. તહેવારની તૈયારીઓ વચ્ચે હવામાન વિભાગના આ અપડેટથી સામાન્ય લોકો અને ખેડૂતોમાં ઉત્સુકતા અને ચિંતા જોવા મળી રહી છે.
માત્ર નવરાત્રી જ નહીં, પરંતુ શિયાળાની શરૂઆતના મહિનાઓમાં પણ કુદરતી આફતોનો ખતરો તોળાઈ રહ્યો છે. અંબાલાલ પટેલે નવેમ્બર અને ડિસેમ્બર મહિના માટે ભારે ચક્રવાતની ગંભીર આગાહી કરી છે. તેમના મતે નવેમ્બરની શરૂઆતમાં બંગાળનો ઉપસાગર ફરીથી સક્રિય થશે અને 18 નવેમ્બરથી ડિસેમ્બર સુધીના સમયગાળામાં અત્યંત મજબૂત અને ‘ખબર લઈ નાખે’ તેવા ખતરનાક વાવાઝોડા આવવાની સંભાવના છે. આ ઉપરાંત, અલ નીનોની અસરને પરિણામે આગામી સમયમાં રાજ્યમાં ભારે માવઠું થવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે.