વિસાવદરમાં AAP ધારાસભ્ય Gopal Italiaનો અનોખો વિરોધ, ભેંસને આપ્યું આવેદનપત્ર

Gopal Italia News: વિસાવદરના આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ખેડૂતોના પ્રશ્નોને લઈને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો. તેમણે ભેંસને પ્રતિકાત્મક રીતે આવેદનપત્ર આપીને રાજ્ય સરકાર સામે દુષ્કાળ જાહેર કરવાની માંગણી કરી.
‘સરકાર ખેડૂતોની વાત સાંભળતી નથી’ : ગોપાલ ઇટાલિયા
વિરોધ દરમિયાન ગોપાલ ઇટાલિયાએ આરોપ લગાવ્યો કે રાજ્યના અનેક વિસ્તારોમાં ખેડૂતોના પાકને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. તેમણે જણાવ્યું કે વિધાનસભામાં પણ રાજ્યમાં દુષ્કાળ જાહેર કરવાની રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ સરકાર તરફથી કોઈ કાર્યવાહી થઈ નથી.
ભેંસને પ્રતિક બનાવી કર્યો વિરોધ
ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે સરકાર ખેડૂતોની માંગણીઓ પ્રત્યે ઉદાસીન છે, તેથી પ્રતિકાત્મક વિરોધ તરીકે ભેંસને આવેદનપત્ર આપવામાં આવ્યું. તેમના જણાવ્યા મુજબ, ખેડૂતોની સમસ્યાઓ ઉઠાવવામાં આવે ત્યારે સરકાર મોઢું ફેરવી લે છે.
પશુપાલકો અને ભાગિયાઓના પ્રશ્નો પણ ઉઠાવ્યા
ધારાસભ્યએ દાવો કર્યો કે દુષ્કાળ જેવી સ્થિતિને કારણે પશુપાલકોને ઘાસચારાની અછતનો સામનો કરવો પડી રહ્યો છે અને ભાગીદારીમાં ખેતી કરતા ખેડૂતોને પણ નુકસાન થયું છે. તેમણે સરકાર પાસે ખેડૂતો, ભાગિયાઓ અને પશુપાલકોને રાહત આપવાની માંગણી કરી.
સરકાર સામે દુષ્કાળ જાહેર કરવાની માંગ
ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે રાજ્ય સરકાર દુષ્કાળની સ્થિતિ સ્વીકારતી નથી, જ્યારે ખેડૂતો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આ સમગ્ર વિરોધ ખેડૂતોના મુદ્દે સરકારનું ધ્યાન દોરવા માટે કરવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું.