કચ્છમાં મેઘરાજાની તોફાની બેટિંગ, અંજારમાં સાડા સાત ઈંચ વરસાદથી ખેડૂતો ખુશખુશાલ

આખરે લાંબા સમયની રાહ અને દુષ્કાળના એંધાણ વચ્ચે કચ્છ જિલ્લામાં મેઘરાજાએ તોફાની પધરામણી કરીને ધરતીપુત્રોને મોટી રાહત આપી છે. ગઈકાલે રાત્રે 8 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા દરમિયાન અંજાર, ભુજ, માંડવી અને ગાંધીધામ સહિતના વિસ્તારોમાં મુસળધાર વરસાદ ખાબકતા જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે, જેનાથી સુકાતા પાકને જીવનદાન મળ્યું છે.

કચ્છના અંજાર પંથકમાં મેઘરાજાએ સૌથી વધુ તોફાની બેટિંગ કરતા 10 કલાકમાં 7.24 ઈંચ જેટલો ધોધમાર વરસાદ વરસાવી દીધો છે. અતિભારે વરસાદના કારણે અંજારની સ્થાનિક નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી. નદીના ધસમસતા પાણી રસ્તાઓ પર ફરી વળતા અંજાર-ચંદ્રાણી માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો અને બંને તરફનો વાહન વ્યવહાર ખોરવાઈ જતાં વાહનચાલકો અટવાયા હતા. આ ઉપરાંત માંડવીમાં સવારે બે કલાકમાં 1.22 ઈંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે ભુજ અને ગાંધીધામમાં પણ સારા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ભુજ શહેરના બસ સ્ટેશન જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, પરંતુ ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ભુજના મોટાબંધ તળાવમાં વિપુલ પ્રમાણમાં પાણીની આવક થઈ છે.

આ વરસાદથી કચ્છના ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે અને આગામી દિવસોમાં પણ આવો જ ધોધમાર વરસાદ ચાલુ રહે તેવી આશા તેઓ રાખી રહ્યા છે. જળસંચય થવાથી સ્થાનિક વિસ્તારમાં પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યા હલ થશે.

હવામાન વિભાગે આજે કચ્છ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી હતી. ભારે વરસાદથી ભૂજ અને ભચાઉના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *