આણંદના બોરસદમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, 6 ઈંચ વરસાદથી રસ્તાઓ પર ફરી વળ્યા પાણી

આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. બોરસદ તાલુકામાં પોણા છ ઈંચ જેટલો ધોધમાર વરસાદ વરસતા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદના પગલે બોરસદ-પેટલાદ માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. બીજી તરફ વહેરા ગામનું તળાવ ઓવરફ્લો થતાં રોડ પર પાણી ફરી વળતાં પોલીસે વાહનચાલકોને આ માર્ગનો ઉપયોગ ન કરવા અપીલ કરી છે.
બોરસદ તાલુકામાં ભારે વરસાદ વરસતાં માત્ર થોડા જ સમયમાં પોણા છ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદના કારણે બોરસદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થતાં સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે બોરસદ-પેટલાદ માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. વહેરા ગામનું તળાવ ઓવરફ્લો થતાં તળાવનું પાણી રોડ પર આવી ગયું છે. જેના પગલે માર્ગ પર પાણીનો પ્રવાહ વધ્યો છે અને વાહનચાલકો માટે મુશ્કેલી ઊભી થઈ છે.
પોલીસે વાહનચાલકોને અપીલ કરી
વહેરા ગામ નજીક માર્ગ પર પાણી ભરાઈ જતાં બોરસદ પોલીસે વાહનચાલકોને સાવચેતી રાખવા અપીલ કરી છે. પોલીસે લોકોને આ માર્ગનો ઉપયોગ ન કરવા અને શક્ય હોય ત્યાં સુધી વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા જણાવ્યું છે. બોચાસણ નજીક ભારે વરસાદના પગલે કાંસના પાણી ખેતરોમાં ફરી વળ્યા છે. બોચાસણ-ગોરેલ-વિરોલ વચ્ચે આવેલા ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતાં ખેડૂતોની ચિંતા વધી છે. ખાસ કરીને કાંસના પાણીનો પ્રવાહ વધતાં ખેતરોમાં પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં જોવા મળી રહી છે.
વિરોલ માર્ગ નજીક પણ પાણીનો ભરાવો
વિરોલ માર્ગ નજીક પણ વરસાદી પાણીનો ભરાવો થયો છે. સતત વરસાદના કારણે પાણીનો નિકાલ ધીમો પડતાં માર્ગો અને આસપાસના વિસ્તારોમાં પાણીની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને પગલે તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
સવારથી અત્યાર સુધીમાં કુલ 210 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં મેઘરાજાની સાર્વત્રિક અને ધમાકેદાર બેટિંગ જારી છે. રાજ્યમાં સવારથી અત્યાર સુધીમાં કુલ 210 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ આણંદના બોરસદમાં 5.24 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત ધોળકામાં 4.02 ઈંચ, કરજણમાં 3.82 ઈંચ, ગોધરામાં 3.39 ઈંચ, તારાપુરમાં 3.07 ઈંચ, ગણદેવીમાં 2.91 ઈંચ, નડિયાદમાં 2.80 ઈંચ, માતરમાં 2.72 ઈંચ, બાયડમાં 2.64 ઈંચ, મેઘરજમાં 2.64 ઈંચ, વડોદરામાં 2.56 ઈંચ, વાગરામાં 2.40 ઈંચ, હિંમતનગરમાં 2.32 ઈંચ, માળિયા હાટીનામાં 2.32 ઈંચ, ધનસુરામાં 2.17 ઈંચ, દસક્રોઈમાં 2.17 ઈંચ અને આંકલાવમાં 2.17 ઈંચ વરસાદ વરસ્યો છે.