ભારત-ચીન વચ્ચે સીધી ફ્લાઈટ ફરી શરૂ, PM મોદી અને શી જિનપિંગ વચ્ચેની બેઠક પહેલા મોટી જાહેરાત

ભારત અને ચીન વચ્ચે સીધી ફ્લાઇટ સેવા ફરી શરૂ થઈ છે. ચાઇના સધર્ન એરલાઇન્સે લગભગ છ વર્ષના અંતરાલ બાદ બંને દેશો વચ્ચે સીધી ફ્લાઇટ્સ ફરી શરૂ કરી છે. આ સમાચાર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના ભારતમાં આગમનના થોડા કલાકો પહેલાં જ આવ્યા છે. ચાઇના સધર્ન એરલાઇન્સના આ પગલું ભારત અને ચીન વચ્ચે સુધરતા સંબંધોને દર્શાવે છે. BRICS સમિટ માટે ભારત આવી રહેલા શી જિનપિંગ સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાના છે. આ દ્વિપક્ષીય બેઠક દરમિયાન વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે.

12 સપ્ટેમ્બર 2026ના રોજ ચાઇના સધર્ન એરલાઇન્સે જાહેરાત કરી હતી કે તે 21 સપ્ટેમ્બરથી ગુઆંગઝૂ-નવી દિલ્હી રૂટ પર નિયમિત પેસેન્જર ફ્લાઇટ્સ ફરી શરૂ કરશે. ગ્લોબલ ટાઇમ્સના અહેવાલ મુજબ, આ સેવા લગભગ છ વર્ષના વિરામ બાદ ફરી શરૂ કરવામાં આવી રહી છે. એરલાઇને જણાવ્યું હતું કે સેવા પુનઃસ્થાપિત થયા બાદ તે દક્ષિણ એશિયામાં આઠ રાઉન્ડ-ટ્રિપ રૂટ્સ પર સાપ્તાહિક 100થી વધુ ફ્લાઇટ્સનું સંચાલન કરશે. 

ચીની એરલાઇન્સ દ્વારા ભારત માટે સીધી ફ્લાઇટ્સ ફરી શરૂ કરવી એ બંને દેશો વચ્ચે સંપર્ક વધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. અગાઉ એપ્રિલમાં એર ચાઇનાએ બેઇજિંગ અને દિલ્હી વચ્ચે સીધી ફ્લાઇટ સેવાઓ ફરી શરૂ કરી હતી. ચીની એરલાઇન દ્વારા ભારત માટે પુનઃસ્થાપિત કરવામાં આવેલી આ બીજી સીધી સેવા હતી. તે પહેલાં 18 એપ્રિલે ચાઇના ઇસ્ટર્ન એરલાઇન્સે કુનમિંગ અને કોલકાતા વચ્ચે સીધી ફ્લાઇટ્સ ફરી શરૂ કરી હતી.

કોલકાતા અને શાંઘાઈ વચ્ચે સીધી ફ્લાઇટ સેવા

ભારતીય એરલાઇન IndiGoએ 30 માર્ચે કોલકાતા અને શાંઘાઈ વચ્ચે દૈનિક નોન-સ્ટોપ ફ્લાઇટ સેવા શરૂ કરી. આનાથી ભારત અને ચીન વચ્ચે હવાઈ સંપર્ક વધુ મજબૂત બન્યો છે. ઇન્ડિગોએ અગાઉ તેની કોલકાતા-ગુઆંગઝૂ ફ્લાઇટ સેવા ફરી શરૂ કરી હતી અને બાદમાં દિલ્હીથી પણ ચીન માટે કામગીરી શરૂ કરી હતી. 

કોવિડ-19 મહામારી દરમિયાન ભારત અને ચીન વચ્ચેની સીધી ફ્લાઇટ્સ સ્થગિત કરવામાં આવી હતી. ત્યારબાદ, ડોકલામ અને ગલવાન વિવાદોને કારણે દ્વિપક્ષીય સંબંધોમાં આવેલી તણાવપૂર્ણ સ્થિતિની અસર પણ હવાઈ સંપર્ક પર પડી હતી. હવે, બંને દેશો વચ્ચેના સંબંધોમાં સુધારાની સાથે સીધી ફ્લાઇટ્સ ફરી શરૂ થવી એ લોકો વચ્ચેના સંપર્ક અને આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર 18મી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે શનિવારે બેઇજિંગથી નવી દિલ્હી જવા રવાના થયા છે. ‘શિનહુઆ’ (Xinhua)ના અહેવાલ મુજબ, શી જિનપિંગ શનિવારે વડાપ્રધાન મોદી સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે. ત્યારે શીની મુલાકાત અને ભારત-ચીન ફ્લાઇટ્સ ફરી શરૂ થવાને બંને રાષ્ટ્રો વચ્ચે કનેક્શન વધારવાના વ્યાપક પ્રયાસોના સૂચક તરીકે જોવામાં આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *