નવરાત્રી પહેલા વેપારીઓને મોટી રાહત, દુકાન-મોલ-હોટલ 24 કલાક ખુલ્લા રાખી શકાશે

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં રાજ્યના વેપારીઓ અને ઉદ્યોગકારો માટે મહત્વપૂર્ણ સુધારા કરતું ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ સુધારા વિધેયક, 2026 પસાર કરવામાં આવ્યું છે. નવા ફેરફારોનો હેતુ વેપાર-ધંધા માટેની પ્રક્રિયા સરળ બનાવવાનો અને સરકારી મંજૂરીઓમાં સમય ઘટાડવાનો છે. ખાસ કરીને દુકાનો, મોલ, હોટલ, રેસ્ટોરન્ટ અને કાફે જેવા વ્યવસાયોને લઈને મહત્વપૂર્ણ રાહત આપવામાં આવી છે. ગુજરાત વિધાનસભાના આ સત્રમાં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ બિલ સહિત અનેક મહત્વના બિલ રજૂ કરવામાં આવ્યા હતા.
રાજ્ય સરકારે ગુમાસ્તા ધારા (Shop and Establishment Act) સંબંધિત કાયદામાં આ માટે મહત્વનો સુધારો કર્યો છે. વિધાનસભાના ચોમાસુ સત્રના અંતિમ દિવસે રજૂ કરાયેલા સુધારા બાદ માત્ર સમયમર્યાદાના કારણસર પોલીસ કે સ્થાનિક સત્તાધિકારી આવા એકમોને બંધ કરાવી શકશે નહીં. જોકે, સ્વચ્છતા, ટ્રાફિક વ્યવસ્થા અને સલામતીને લગતા નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે.
નવા ફેરફાર મુજબ મોલ, રેસ્ટોરન્ટ, હોટલ, કાફે અને દુકાનો સહિતના પાત્ર વ્યાપારી એકમો 24 કલાક ખુલ્લા રાખી શકાશે. એટલે તહેવારો કે અન્ય ખાસ પ્રસંગોએ ગ્રાહકોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને વેપારીઓને વધુ સમય સુધી વ્યવસાય કરવાની સુવિધા મળશે. જો કે આ સાથે એકમોને પોતાની આસપાસ સ્વચ્છતા, ટ્રાફિક વ્યવસ્થા અને સલામતી જાળવવાની જવાબદારી રહેશે. એટલે 24 કલાક કામગીરીની છૂટ સાથે જાહેર વ્યવસ્થા અને સુરક્ષાની જવાબદારી પણ વેપારી એકમો પર રહેશે.
હાલની વ્યવસ્થા મુજબ મહાનગરપાલિકા વિસ્તાર, હોસ્પિટલ, નેશનલ હાઇવે, રેલવે સ્ટેશન, પેટ્રોલપંપ અને બસ સ્ટેશન જેવા કેટલાક વિસ્તારોને બાદ કરતાં દુકાનો અને અન્ય વ્યવસાયિક એકમોના સમય પર નિયંત્રણ હતું. નગરપાલિકા તથા રાજ્ય ધોરીમાર્ગના વિસ્તારોમાં રાત્રે 2થી સવારે 6 વાગ્યા સુધી, જ્યારે અન્ય વિસ્તારોમાં રાત્રે 11થી સવારે 6 વાગ્યા સુધી દુકાનો બંધ રાખવાની જોગવાઈ હતી. નવા સુધારા બાદ આ સમયમર્યાદા દૂર થશે.
અત્રે નોંધવું જરૂરી છે કે 24 કલાક કામગીરીની છૂટનો અર્થ નિયમોમાંથી સંપૂર્ણ મુક્તિ નથી. શ્રમિકોના કામના કલાકો, રાત્રિ શિફ્ટ, સુરક્ષા અને અન્ય લાગુ પડતી જોગવાઈઓનું પાલન કરવું પડશે. ગુજરાતમાં 2026માં શોપ્સ એન્ડ એસ્ટેબ્લિશમેન્ટ કાયદામાં કામના કલાકો અને મહિલાઓની નાઈટ શિફ્ટ અંગે પણ અલગ સુધારા કરવામાં આવ્યા હતા.