રાધનપુરના સિનાડ ગામે કિંજલ રબારી કેસમાં બે સમાજ વચ્ચે તણાવ, ટોળાના હુમલામાં ચૌધરી PSI ઘાયલ

સિંગર કિંજલ રબારીના પ્રેમ લગ્ન અને અપહરણ કેસ બાદ હવે કિંજલના પિયર રાધનપુરના સિનાડ ગામે ભારેલા અગ્નિ જેવો માહોલ છે. મામલો એટલો વણસ્યો છે કે બે જ્ઞાતિઓ સામસામે આવી ગઈ હોય તેવી સ્થિતિ છે. સિનાડ ગામે રબારી લોકોના ટોળાએ પોલીસ પર હુમલો કરીને ચૌધરી PSIને ટાર્ગેટ કરતા મામલો વણસ્યો છે. કેવી રીતે એક પ્રેમ લગ્નએ સામાજિક જંગનું સ્વરૂપ ધારણ કર્યું…
કિંજલ રબારીના પ્રેમ લગ્ન અને ત્યાર બાદ સામે આવેલા વિવાદમાં હવે પરિસ્થિતિ વધુ વણસી રહી છે. પ્રેમ લગ્ન અને ત્યાર બાદ નોંધાયેલી અપહરણની ફરિયાદે હવે રાધનપુરમાં આવેલા કિંજલના પિયર સીનાડ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ ઉભી થઈ છે. વિવાદ એટલો વધી ગયો છે કે બે જ્ઞાતિઓ વચ્ચે તણાવ વધતાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. આ જ ગરમાયેલા માહોલ વચ્ચે આજે રાધનપુરના સિનાડ ગામે કિંજલના પિયર પક્ષે તપાસ અર્થે પહોંચેલી પોલીસ પર લોકોના ટોળાએ અચાનક હુમલો કરી દીધો હતો.
ટોળાના આ હુમલામાં PSI એચ.વી. ચૌધરી ઘાયલ થયા છે. કિંજલ રબારીના પ્રેમ લગ્ન બાદથી જ વિવાદ સર્જાયો છે. આખા ઘટનાક્રમની વાત કરીએ તો 2 મે 2024ના રોજ કિંજલ રબારી અને અશોક ચૌધરીએ કોર્ટ મેરેજ કર્યા હતા. જેમાં લાખ સમજાવવા છતાં પરિવાર ન સમજતા 10 માર્ચ 2026ના રોજ કિંજલ પરિવારને છોડીને તેના પતિ અશોક ચૌધરી પાસે જતી રહી હતી. કિંજલ ચૌધરી ભાગી જતાં વિવાદ સર્જાયો અને 14 માર્ચ 2026ના રોજ સમાજની મધ્યસ્થી બાદ કિંજલ ઘરે પરત આવી ગઈ હતી. તે સમયે તો કિંજલે કહ્યુ હતુ કે હું રાહ ભટકી ગઈ હતી. જે બાદ કિંજલ રબારી અને અશોક ચૌધરીના છુટાછેડાની કાર્યવાહી શરૂ થઈ. છુટાછેડા પહેલા જ પરિવારે કિંજલના લગ્ન નરસિંહ દેસાઈ સાથે કરાવી દીધા. ત્યારે હવે 6 સપ્ટેમ્બર 2026ના રોજ કિંજલ રબારી નરસિંહને છોડીને તેના પ્રેમી અને પતિ અશોક ચૌધરી પાસે જતી રહી છે.
હવે પોતાના પ્રથમ પતિ પાસે પહોંચેલી કિંજલે સોશિયલ મીડિયા પર વિડિયો વાયરલ કરીને સ્પષ્ટતા કરી કે – ‘મારું કોઈએ અપહરણ નથી કર્યું, હું મારી મરજીથી સ્વેચ્છાએ મારા પતિ પાસે આવી છું.’
પ્રેમ લગ્ન જેવા અંગત મામલાએ હવે સામાજિક અને જ્ઞાતિગત લડાઈનું રૂપ ધારણ કરી લીધું છે. એક તરફ કાયદો અને વ્યવસ્થા જાળવવાનો પડાકાર છે તો બીજી તરફ ખાખી પર હુમલો કરનારા અસામાજિક તત્વો સામે દાખલો બેસે તેવી કાર્યવાહી કરવાની પોલીસની તૈયારી છે. હાલ તો રાધનપુરમાં શાંતિ જાળવી રાખવા માટે તંત્ર સતત પેટ્રોલિંગ કરી રહ્યું છે.