ગુજરાત હાઈકોર્ટ સહિત અમદાવાદ-સુરતની તમામ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ, ફાયર અને બોમ્બ સ્ક્વોડની ટીમો ઘટના સ્થળે…

ગુજરાતની મહત્વની કોર્ટોમાં બોમ્બ મુકાયાની ધમકી અને અફવાઓને પગલે ભારે દોડધામ મચી ગઈ છે. અમદાવાદ અને સુરતમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા તાત્કાલિક અસરથી સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. અમદાવાદ શહેરની ઘીકાંટા સ્થિત મેટ્રોપોલિટન કોર્ટ અને લાલ દરવાજા સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી એક ઈમેલ દ્વારા આપવામાં આવી હતી, જેના પગલે વહીવટી તંત્ર અને કાયદાકીય વર્તુળોમાં ભારે હડકંપ મચી ગયો હતો.અમદાવાદના ઘીકાંટા સ્થિત મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ અને લાલ દરવાજા સ્થિત સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ બેડામાં સન્નાટો વ્યાપી ગયો હતો. ઘીકાંટા કોર્ટમાં ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ તુરંત જ તંત્ર હરકતમાં આવ્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ અને બોમ્બ ડિસ્પોઝલ એન્ડ ડિટેક્શન સ્ક્વોડ (BDDS) ની ટીમો તાત્કાલિક બંને સ્થળે પહોંચી ગઈ હતી.
કોર્ટ પરિસર ખાલી કરાવાયું અને સુરક્ષા ચુસ્ત બની
કોર્ટમાં વકીલો, અસીલો અને સ્ટાફની ભારે ભીડ હોવાથી સુરક્ષાના કારણોસર તુરંત જ આખું કોર્ટ પરિસર ખાલી કરાવવામાં આવ્યું હતું. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા સમગ્ર પરિસરમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ધમકી બાદ બંને કોર્ટ સંકુલ અને તેની આસપાસના વિસ્તારમાં સ્થાનિક પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને સુરક્ષા વ્યવસ્થા અત્યંત સઘન બનાવી દીધી છે.
બીજી તરફ, સુરત કોર્ટમાં પણ બોમ્બ હોવાની અફવા ફેલાતા અફરાતફરી મચી ગઈ હતી. અફવાના સમાચાર મળતા જ ઉમરા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. સાવચેતીના પગલે આખી કોર્ટ બિલ્ડિંગને તાત્કાલિક ખાલી કરાવવામાં આવી હતી. ત્યારબાદ ડોગ સ્ક્વોડ અને બૉમ્બ સ્ક્વોડ દ્વારા ખૂણે-ખૂણાની તપાસ શરૂ કરવામાં આવી હતી.