અમદાવાદથી ‘હબ ઍન્ડ સ્પોક’ સેવા શરૂ થતાં રાજ્યના આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને ‘ઈઝ ઓફ ટ્રાવેલ’નો સીધો લાભ મળશે:- CM Bhupendra Patel

CM Bhupendra Patel News: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (SVPI) પરથી ‘હબ એન્ડ સ્પોક’ મોડેલ હેઠળ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવાઓનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયની પહેલ હેઠળ અમૃતસર અને વારાણસી બાદ અમદાવાદ દેશનું ત્રીજું એરપોર્ટ બન્યું છે, જેને આંતરરાષ્ટ્રીય પ્રવાસી ટ્રાફિક માટે ભારતના હબ એન્ડ સ્પોક માળખા સાથે જોડવામાં આવ્યું છે.
સેવાના શુભારંભ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશની વિકાસયાત્રા ઝડપી ગતિએ આગળ વધી રહી છે અને તેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની મહત્વપૂર્ણ ભૂમિકા છે.
નાના શહેરોના મુસાફરોને મળશે સીધો લાભ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ‘ઉડે દેશ કા આમ નાગરિક’ના અભિગમ સાથે ‘ઉડાન’ યોજના હેઠળ 679થી વધુ રૂટ્સ કાર્યરત કરવામાં આવ્યા છે. આના કારણે સામાન્ય નાગરિકો માટે એર કનેક્ટિવિટી વધારીને હવાઈ મુસાફરીનું સપનું સાકાર કરવામાં મદદ મળી છે.
અમદાવાદ એરપોર્ટ પરથી ‘હબ એન્ડ સ્પોક’ સેવા શરૂ થવાથી રાજ્યના આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને મુસાફરીમાં સરળતા મળશે. ખાસ કરીને નાના શહેરો અને અન્ય એરપોર્ટ પરથી આવતા મુસાફરોને અમદાવાદ ખાતે બોર્ડિંગ, કસ્ટમ્સ અને ઇમિગ્રેશન જેવી પ્રક્રિયાઓ ફરીથી કરવાની જરૂર નહીં રહેવાનો લાભ મળશે.
ગુજરાત બની રહ્યું છે એવિએશન ક્ષેત્રનું કેન્દ્ર
મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાતમાં એવિએશન ક્ષેત્ર સાથે જોડાયેલા અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે. ગાંધીનગરની GIFT City ખાતે એરક્રાફ્ટ લીઝિંગ અને ફાઇનાન્સિંગની સુવિધા તેમજ ધોલેરામાં નિર્માણાધીન ગ્રીનફિલ્ડ એરપોર્ટ ગુજરાતને એવિએશન ક્ષેત્રમાં વધુ મજબૂત બનાવશે.
આ પ્રોજેક્ટ્સ જાન્યુઆરી 2027માં યોજાનારી ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’ માટે પણ મહત્વપૂર્ણ સાબિત થશે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
ગુજરાતમાં 19 એરપોર્ટ કાર્યરત
રાજ્યના એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની માહિતી આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાત સરકાર એરપોર્ટના વિકાસને સતત વેગ આપી રહી છે. જેના પરિણામે રાજ્યમાં હાલ 3 આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સહિત કુલ 19 એરપોર્ટ કાર્યરત છે.
તેમણે વધુમાં જણાવ્યું કે ધોલેરામાં નિર્માણ પામી રહેલું અદ્યતન ગ્રીનફિલ્ડ એરપોર્ટ આગામી સમયમાં ગુજરાત સહિત દેશના અર્થતંત્રને નવી ગતિ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટીને મળશે વધુ વેગ
અમદાવાદ એરપોર્ટને હબ એન્ડ સ્પોક મોડેલ સાથે જોડવાથી ગુજરાતના વિવિધ શહેરોમાંથી આંતરરાષ્ટ્રીય મુસાફરી કરતા પ્રવાસીઓ માટે કનેક્ટિવિટી વધુ સરળ બનવાની અપેક્ષા છે. આ સેવા રાજ્યના એર ટ્રાવેલ નેટવર્કને વધુ મજબૂત બનાવવાની સાથે અમદાવાદને આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટે મહત્વપૂર્ણ હબ તરીકે વધુ મજબૂત કરી શકે છે.