મહેસાણામાં કાયદો અને વ્યવસ્થાના ઉડ્યા લીરેલીરા: 8 કલાકમાં 500 મીટરમાં બે હિંસક હુમલાથી અરેરાટી

મહેસાણા શહેરમાં ગુંડાતત્વોનો ત્રાસ ચરમસીમાએ પહોંચ્યો છે. માત્ર 8 કલાકના ગાળામાં અને 500 મીટરના અંતરમાં બે જુદી-જુદી હિંસક ઘટનાઓ સામે આવતાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સરેઆમ હત્યા અને ફાયરિંગની આ ઘટનાઓએ સામાન્ય નાગરિકોની સુરક્ષા પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધું છે અને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે.

મહેસાણા મોઢેરા એસટી બસ પોર્ટ બહાર પેસેન્જર બેસાડવા જેવી બાબતે બે ઈકો કાર ચાલકો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ખૂની ખેલ ખેલાયો હતો. બંને પક્ષના ચાલકોએ એકબીજા પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હિંસક અથડામણમાં સાબિર હુસેન નામના ચાલકનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટના બાદ બંને પક્ષના લોકો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. આ મામલે પોલીસે 4 લોકો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ હિંસક ઘટનાના ગણતરીના કલાક બાદ નાગલપુર ખાતે આવેલી પકવાન ડાઇનિંગ હોલ સામે સરેઆમ ફાયરિંગની સનસનાટીભરી ઘટના બની હતી. ચાણસ્માના ઝીલીયા ગામના ભાવેશ રબારી ઉર્ફે ભાવેશ ઝીલીયા પોતાની ફોર્ચ્યુનર કાર લઈને જઈ રહ્યા હતા, ત્યારે સફેદ સ્કોર્પિયો કારમાં આવેલા અજાણ્યા હુમલાખોરોએ તેમની ગાડીને 3 થી 4 વખત જોરદાર ટક્કર મારી હતી. ત્યારબાદ સ્કોર્પિયો સવાર શખ્સોએ રિવોલ્વર વડે ભાવેશ ઝીલીયા પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.

સરેઆમ ફાયરિંગની જાણ થતાં જ બી-ડિવિઝન પોલીસ મથકના પી.આઈ. સહિતનો મોટો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. હુમલા બાદ ભાવેશ ઝીલીયાએ અજાણ્યા હુમલાખોરો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે સમગ્ર ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ મેળવીને હુમલાખોરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

તો બીજી તરફ, આ ઘટના બાદ પોલીસે હાથ ધરેલી તપાસમાં ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. પોલીસે ભાવેશ ઝીલીયાની ફોર્ચ્યુનર કારની તપાસ કરતા તેમાંથી એક રિવોલ્વર, 6 જીવતા કારતૂસ અને લાકડાના હાથામાં ફિટ કરેલો છરો મળી આવ્યો હતો. આના પરથી ઘટના સમયે ભાવેશ રબારીએ પણ વળતું ફાયરિંગ કર્યું હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.

ગેરકાયદેસર હથિયારો મળી આવતા આ મામલે ખુદ પોલીસે જ આગળ આવીને મહેસાણા બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભાવેશ ઝીલીયા અને તેના સાગરીતો સહિત કુલ 4 શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે, જેમાંથી 3 આરોપીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. હાલમાં બી ડિવિઝન પોલીસ આ સમગ્ર ફાયરિંગ અને હથિયારો સંબંધિત કેસમાં આગળની સઘન તપાસ ચલાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *