લો બોલો, રક્ષાબંધનના દિવસે જ ભાઈએ કર્યું બહેનનું અપહરણ, મામલો પ્રેમલગ્નનો

વડનગર તાલુકામાં રક્ષાબંધનના દિવસે ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રેમલગ્ન કરીને સાસરે રહેતી યુવતીને તેના ભાઈએ રાખડી બાંધવાના બહાને વડનગર બોલાવી હતી. યુવતી પતિ સાથે આવી પહોંચ્યા બાદ વાતચીતમાં રોકી રાખવામાં આવી અને ત્યારબાદ નંબર પ્લેટ વગરની સફેદ અર્ટીગા કારમાં આવેલા બે શખ્સોએ યુવતીને બળજબરીપૂર્વક કારમાં બેસાડી અપહરણ કરી લીધું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. યુવતીનો ભાઈ પણ કારમાં બેસીને ફરાર થઈ ગયો હતો.
વડનગર તાલુકાના છાબલીયા સીમ વખારપુરા ગામે રહેતા અને ખેતીકામ કરતા સચીનકુમાર ભરતજી ઠાકોરે આશરે સાત મહિના અગાઉ મલેકપુર ગામની વૈદેહી પટેલ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ વૈદેહી પોતાના પતિ સાથે સાસરીમાં રહેતી હતી. રક્ષાબંધનના દિવસે વૈદેહીના ભાઈ જેનિલ પટેલે ઇન્સ્ટાગ્રામ મારફતે બહેનને મેસેજ કરી રાખડી બાંધવા માટે વડનગર આવવા જણાવ્યું હતું. ભાઈના બોલાવ્યા બાદ વૈદેહી પોતાના પતિ સચીનકુમાર અને નાની ભત્રીજી સાથે એક્ટિવા પર વડનગર પહોંચી હતી.
વડનગરમાં તોરણીયા વડ નજીક આવેલા બહુચર પેટ્રોલ પંપ સામે વૈદેહીએ પોતાના ભાઈ જેનિલને રાખડી બાંધી હતી. રાખડી બાંધ્યા બાદ દંપતી પરત પોતાના ગામ જવા નીકળતું હતું. જોકે, જેનિલે વધુ થોડીવાર વાતચીત કરવાના બહાને બંનેને ત્યાં રોકી રાખ્યા હતા.
આ દરમિયાન બપોરે આશરે 1:15 વાગ્યે વિસનગર તરફથી નંબર પ્લેટ વગરની સફેદ રંગની અર્ટીગા કાર પૂરઝડપે આવી હતી. કારચાલકે સચીનકુમારના એક્ટિવા નજીક કાર ઊભી કરી અચાનક દરવાજો ખોલતાં એક્ટિવા નીચે પડી ગયું હતું. કારમાંથી બે અજાણ્યા શખ્સો નીચે ઉતર્યા હતા. તેમણે વિરોધ કરી રહેલી વૈદેહીને કથિત રીતે બળજબરીપૂર્વક કારમાં બેસાડી દીધી હતી. ઘટનાને પગલે સચીનકુમારે બૂમાબૂમ કરતાં આસપાસના વિસ્તારમાં પણ અફરાતફરી સર્જાઈ હતી.
સમગ્ર ઘટનાક્રમ દરમિયાન વૈદેહીનો ભાઈ જેનિલ પટેલ પણ પોતાનું એક્ટિવા રસ્તા પર જ મૂકીને અર્ટીગા કારમાં બેસી ગયો હતો. ત્યારબાદ કારમાં સવાર તમામ શખ્સો વિસનગર તરફ પૂરઝડપે નાસી છૂટ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
બનાવ બાદ સચીનકુમાર ઠાકોરે વડનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં પહોંચી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેણે પોતાના સાળા જેનિલ પટેલ સહિત ત્રણ અજાણ્યા શખ્સો સામે યુવતીના અપહરણનો આક્ષેપ કર્યો છે.પતિએ પોલીસ સમક્ષ આક્ષેપ કર્યો છે કે પ્રેમલગ્નથી નારાજ હોવાના કારણે સાળાએ પૂર્વઆયોજિત કાવતરું ઘડી પત્નીનું અપહરણ કરાવ્યું છે.
ફરિયાદના આધારે વડનગર પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. યુવતીને શોધી કાઢવા તેમજ અપહરણમાં ઉપયોગમાં લેવાયેલી કાર અને આરોપીઓ સુધી પહોંચવા માટે પોલીસે નાકાબંધી સહિતની કાર્યવાહી શરૂ કરી છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.