ખાંડ બાદ ડુંગળીના ભાવમાં વધારો, છૂટકમાં ભાવ 80 રૂપિયા સુધી પહોંચવાની શક્યતા

રાજ્યમાં ડુંગળીના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. મહારાષ્ટ્રથી આવતી અને સૌરાષ્ટ્રની ડુંગળીના ભાવમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. પહેલા ખાંડ અને હવે ડૂંગળીના ભાવ વધવાથી ગૃહિણીનું બજેટ ખોરવાયું છે.ગુજરાતભરમાં ડુંગળીના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. એક સપ્તાહ પહેલા જે ડુંગળીનો ભાવ 30 થી 40 રૂપિયા હતો, તે હવે હોલસેલ માર્કેટમાં 40 થી 50 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે. જ્યારે છૂટક બજારમાં પ્રતિ કિલો ડુંગળીના ભાવ 60 થી 70 રૂપિયા સુધી બોલાઈ રહ્યા છે.

મહૂવા APMCમાં ડુંગળીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા એક મહિનામાં મહૂવા APMCમાં પ્રતિ મણ 200 રૂપિયાનો વધારો નોંધાયો છે, જેના કારણે સારી ગુણવત્તાવાળી ડુંગળીનો ભાવ 700 રૂપિયા પ્રતિ મણ સુધી પહોંચી ગયો છે. રાજસ્થાનથી આવતી ડુંગળીની આવક બંધ થતા મહૂવામાં ડુંગળીના ભાવમાં આ ઉછાળો આવ્યો છે. વેપારીઓના મતે હજુ પણ ભાવમાં વધારો થવાની શક્યતા છે. ઓક્ટોબર મહિનામાં નવો પાક આવે ત્યાં સુધી ડુંગળીના ભાવ વધતા રહેશે.

અમદાવાદમાં ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે. હોલસેલ માર્કેટમાં ડુંગળીનો ભાવ 40 થી 50 રૂપિયા થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે 15 દિવસ પહેલા હોલસેલ માર્કેટમાં ડુંગળી 25 થી 30 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતી હતી, જે એક સપ્તાહ પહેલા વધીને 30 થી 40 રૂપિયા થઈ અને હાલ હોલસેલ માર્કેટમાં ભાવ 40 થી 50 રૂપિયા સુધી પહોંચી ગયો છે.

વડોદરામાં પણ સામાન્ય માણસ માટે કસ્તુરી ગણાતી ડુંગળી હવે રડાવી રહી છે. વડોદરાના બજારમાં ડુંગળીના ભાવમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. એક મહિના પહેલા 20 થી 25 રૂપિયા કિલો મળતી ડુંગળી હવે 60 થી 65 રૂપિયાએ પહોંચી છે. વેપારીઓના મતે છૂટક બજારમાં ભાવ 80 રૂપિયા પ્રતિ કિલો સુધી જઈ શકે છે.

APMC હોલસેલ માર્કેટમાં 15 થી 20 રૂપિયા મળતી ડુંગળી હવે 45 રૂપિયા કિલોએ વેચાઈ રહી છે. નાસિકથી આવક ઘટતા વડોદરામાં ડુંગળીની ભારે અછત સર્જાઈ છે. મહિના પહેલા જ્યાં રોજની 25 ટ્રકની આવક થતી હતી, તેની સામે હવે માત્ર 5 ટ્રકની જ આવક થઈ રહી છે. વરસાદમાં માલ ધોવાઈ જતાં આવક ઘટી હોવાનું વેપારીઓનું કહેવું છે. આ ભાવ વધારાથી હોલસેલ અને છૂટક વેપારમાં 60 થી 70 ટકા સુધીની માઠી અસર થઈ છે. વેપારીઓના મતે દિવાળી બાદ નવો પાક આવતા જ ડુંગળીના ભાવમાં રાહત મળી શકે છે.

સુરત APMC: નાસિકની ડુંગળી 1000 રૂપિયા મણ

સુરત APMCમાં પણ ડુંગળીના ભાવમાં વિપુલ વધારો જોવા મળ્યો છે. એક મહિનામાં ડુંગળીના ભાવમાં પ્રતિ મણ 300 થી 400 રૂપિયાનો વધારો થયો છે. નાસિકથી આવતી ડુંગળીના પ્રતિ મણ ભાવ 1000 રૂપિયા સુધી પહોંચી ગયા છે. હાર્વેસ્ટિંગ સમયે જ પડેલા ભારે વરસાદથી ડુંગળીના પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું. હાલ પુનાથી સુરત આવતી ડુંગળીના ભાવ 700 થી 800 રૂપિયા મણ છે, જ્યારે નાસિકથી સુરત આવતી ડુંગળીના ભાવ 900 થી 1000 રૂપિયા પ્રતિ મણ સુધી બોલાઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *