“કાયદો સર્વોપરી છે, કોઇ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી”, MLA ચૈતર વસાવાને જામીન આપવાનો હાઈકોર્ટનો ઈનકાર

વન કર્મચારી પર હુમલા અને સરકારી કામગીરીમાં અડચણ ઊભી કરવાના કેસમાં દોષિત ઠરેલા ડેડિયાપાડાના આમ આદમી પાર્ટી (આપ)ના ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત હાઇકોર્ટ તરફથી આંચકો લાગ્યો છે. નર્મદા સેશન્સ કોર્ટ દ્વારા ફટકારાયેલી સાત વર્ષની જેલની સજા સામે ચૈતર વસાવાએ કરેલી જામીન અરજીને હાઇકોર્ટે સખત વલણ અપનાવીને નકારી કાઢી છે. હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, “કાયદો સર્વોપરી છે અને કોઈ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી.”

હાઇકોર્ટે આ કેસની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે જો આવી ગંભીર બાબતમાં લોકપ્રતિનિધિને રાહત આપવામાં આવે તો સમાજમાં ખોટો સંદેશ જશે. સરકારી વકીલ દ્વારા કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે ચૈતર વસાવા વારંવાર ગુનાહિત પ્રવૃત્તિઓ આચરવાની આદત ધરાવે છે. હાઇકોર્ટે આ રજૂઆતને ધ્યાને રાખીને તેમને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. ચૈતર વસાવાની સાથે તેમના અંગત સચિવ (PA) જિતેન્દ્ર વસાવાની પણ જામીન અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે.  આ કેસમાં ચૈતર વસાવાના અન્ય સાથીદાર રિંકેશ વસાવાની જામીન અરજીને હાઇકોર્ટે મંજૂર કરી છે.

ઉલ્લેખનીય છે કે નર્મદા સેશન્સ કોર્ટે વનકર્મી પર હુમલાના કેસમાં ચૈતર વસાવાને સાત વર્ષની કેદની સજા ફટકારી હતી અને તેમની પ્રથમ જામીન અરજી પણ ફગાવી દીધી હતી. હાલમાં ધારાસભ્ય ચૈતર વસાવા વડોદરાની જેલમાં પોતાની સજા કાપી રહ્યા છે. સેશન્સ કોર્ટ બાદ હવે હાઇકોર્ટે પણ જામીન ના મંજૂર કરતા તેમની કાનૂની મુશ્કેલીઓમાં વધારો થયો છે.ધારાસભ્ય ચૈતર વસાવા સામેનો વનકર્મી હુમલા કેસ ઓક્ટોબર-નવેમ્બર 2023નો છે. આ કેસમાં જૂન 2026માં નર્મદા જિલ્લાની રાજપીપળા સેશન્સ કોર્ટે ચૈતર વસાવા, તેમની પત્ની શકુંતલા વસાવા સહિત કુલ 9 આરોપીઓને 7 વર્ષની સખત કેદની સજા અને દંડ ફટકાર્યો છે. ત્યારે ચૈતર વસાવાએ આ સજા સામે સ્ટે મેળવવા અને જામીન માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. જો કે હવે હાઈકોર્ટ તરફથી પણ ચૈતર વસાવાને ઝટકો મળ્યો છે હાઈકોર્ટે  સેશન્સ કોર્ટનો ચુકાદો યથાવત રાખ્યો છે ગુજરાત હાઇકોર્ટે કહ્યું કે ચૈતર વસાવાને રાહત આપવાથી સમાજમાં ખોટો મેસેજ જશે.

ઓક્ટોબર 2023માં નર્મદા જિલ્લાના બોગાજ ગામ નજીક વન વિભાગની સરકારી જમીન પર કેટલાક સ્થાનિક લોકો દ્વારા ગેરકાયદેસર રીતે પાક વાવવામાં આવ્યો હતો. વન વિભાગના અધિકારીઓએ આ અતિક્રમણ હટાવીને ગેરકાયદેસર પાકનો નાશ કર્યો હતો, જેના કારણે વિવાદ સર્જાયો હતો ત્યારે જમીન વિવાદ અંગે ચર્ચા કરવા માટે ધારાસભ્ય ચૈતર વસાવાએ વન વિભાગના કર્મચારીઓને ડેડિયાપાડા ખાતે પોતાના ઘરે બોલાવ્યા હતા. વન વિભાગની ફરિયાદ અનુસાર, વાતચીત દરમિયાન ઉગ્ર બોલાચાલી થઈ હતી. ચૈતર વસાવા અને તેમના સમર્થકોએ વનકર્મીઓ સાથે મારપીટ કરી, ખંડણી માંગી અને સરકારી કર્મચારીઓને ડરાવવા માટે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. વન વિભાગની ફરિયાદના આધારે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ચૈતર વસાવા અને અન્ય લોકો સામે ગુનો નોંધાયો હતો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *