રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ

સુરત બાદ હવે રાજકોટ સિવિલ હોસ્પિટલ પણ ભારે વિવાદમાં સપડાઈ છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા સિનિયર ડૉ. અશ્વિન રામાણી પર જુનિયર મહિલા તબીબ સાથે ગેરવર્તન કરવાનો, થપ્પડ મારવાનો અને પથ્થર મારવાનો ગંભીર આરોપ લાગ્યો છે. દર્દી અંગે પૂછપરછ કરી રહેલી મહિલા તબીબ પર આ પ્રકારે હુમલો થતાં જ સિવિલ હોસ્પિટલના જુનિયર તબીબોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો હતો.
આ ઘટનાના વિરોધમાં જુનિયર તબીબો મોડી રાત્રે જ હડતાળ પર ઉતરી ગયા હતા, જેના કારણે સિવિલની ઈમરજન્સી સારવાર સેવાઓ થોડા સમય માટે પ્રભાવિત થઈ હતી. પરિસ્થિતિ વણસતાં હોસ્પિટલ પ્રશાસન દોડતું થયું હતું. મોડી રાત્રે તબીબોની સમજાવટ અને થપ્પડ મારનાર ડૉ. અશ્વિન રામાણી સામે માર મારવા તેમજ ગાળો આપવાની લેખિત ફરિયાદ નોંધાયા બાદ આખરે જુનિયર તબીબોએ હડતાળ સમેટી લીધી હતી.
ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડતાં PDU મેડિકલ કોલેજ ખાતે આજે તાત્કાલિક એક મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં PDU ના ડીન, મેડિકલ અધિક્ષક, RMO, સેનિયર અને જુનિયર ડોક્ટરોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. ઘટનાની ગંભીરતાને જોતાં પીડિત મહિલા તબીબ અને તેમના પિતા પણ બેઠકમાં પહોંચ્યા હતા. પિતાએ ન્યાયની માંગ કરતા આક્રોશ સાથે જણાવ્યું હતું કે, “દર્દી બાબતે પૂછપરછ કરતી મારી દીકરીને આ રીતે માર ન મારી શકાય.”
હોસ્પિટલના ડીન અને તબીબોએ આ મામલે કડક પગલાં લેવાની ખાતરી આપી છે. જ્યારે મહિલા તબીબોએ ડૉ. રામાણીના વિરુદ્ધમાં ભારે વિરોધ નોંધાવ્યો છે. હવે જોવાનું એ રહેશે કે મીડિયાના અહેવાલો બાદ જાગેલું સિવિલ તંત્ર આ વખતે આરોપી સિનિયર ડૉક્ટર સામે કોઈ નક્કર કાર્યવાહી કરશે કે પછી માત્ર બેઠકો યોજીને સંતોષ માનશે.
મારી દીકરી સાથે ડોક્ટર અશ્વિન રામાણીએ અભદ્ર વર્તન કર્યુ
તો બીજી તરફ જુનિયર ડોક્ટરનાં પિતાએ જણાવ્યું હતું કે, મારી દીકરી હોસ્પિટલમાં પોતાની સેવા આપી રહી હતી. તે સમયે એક દર્દીની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખી તેને તાત્કાલિક ઈમરજન્સી વોર્ડમાં ટ્રાન્સફર કરી જીવ બચાવી શકાય તે હેતુથી ડોક્ટર અશ્વિન રામાણી પાસે રજૂઆત કરવા ગઈ હતી. જે બાદ ઉશ્કેરાયાલે ડોક્ટરે મારી દીકરી સાથે અભદ્ર વર્તન કર્યું.