તહેવારો પહેલાં ટૂથપેસ્ટથી લઈને પેઇન્ટ સુધી મોંઘા થશે:HUL અને એશિયન પેઇન્ટ્સ સહિત 8 કંપનીઓ જરૂરિયાતની વસ્તુઓની કિંમતો વધારશે

દેશની સૌથી મોટી FMCG અને કન્ઝ્યુમર કંપનીઓ ફેસ્ટિવ સિઝન પહેલા અને સતત બીજા ક્વાર્ટરમાં પોતાના પ્રોડક્ટ્સના ભાવ વધારવાની તૈયારીમાં છે. ટૂથપેસ્ટથી લઈને ટાયર અને પેઇન્ટ જેવી વસ્તુઓ મોંઘી થવાની છે.
મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે કોમોડિટીની કિંમત વધી રહી છે, જેનાથી દેશમાં મોંઘવારી લાંબા સમય સુધી ઊંચા સ્તરે રહેવાની આશંકા છે.
હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ (HUL) આગામી ક્વાર્ટરમાં ડિટર્જન્ટ અને ડિશવોશિંગ બાર જેવી કેટેગરીમાં કિંમતો વધારશે. HUL ઉપરાંત ડોડલા ડેરી અને એશિયન પેઇન્ટ્સ સહિત ઓછામાં ઓછી 7 અન્ય કંપનીઓએ પણ ભાવ વધારવાની યોજના બનાવી છે.
ભારતની સૌથી મોટી કન્ઝ્યુમર ગુડ્સ કંપની હિન્દુસ્તાન યુનિલિવરના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર નિરંજન ગુપ્તાએ એનાલિસ્ટ્સને જણાવ્યું કે બાહ્ય ઉતાર-ચઢાવને કારણે ક્રૂડ ઓઇલ સંબંધિત ડેરિવેટિવ્સમાં મોંઘવારી જોવા મળી રહી છે. આ જ કારણોસર કંપની હોમ કેર સેગમેન્ટમાં સમજી-વિચારીને કિંમતો વધારી રહી છે.
હેવેલ્સે 8% અને ટાટા સોલ્ટે 7% સુધી ભાવ વધાર્યા
ઈરાન યુદ્ધને કારણે ઊર્જાની કિંમતો સતત ઊંચી રહી છે, જેનાથી તાત્કાલિક કોઈ રાહત મળતી દેખાતી નથી. અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ફરી ભડકવાને કારણે કંપનીઓ હોમ એપ્લાયન્સિસથી લઈને રસોડાની જરૂરી ચીજવસ્તુઓ પર બીજી વાર કિંમતો વધારવાનું આયોજન કરી રહી છે.
હેવેલ્સ ઇન્ડિયા: કંપની પોતાના ઉત્પાદનોના ભાવ 8% સુધી વધારી ચૂકી છે.
ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ: ટાટા સોલ્ટની કિંમતમાં લગભગ 7% નો વધારો થઈ ચૂક્યો છે.
ઓગસ્ટથી નવેમ્બર વચ્ચે તહેવારોની સીઝન, ત્રીજા ભાગનું વેચાણ આ સમયગાળા દરમિયાન
કિંમતોમાં આ તાજો વધારો આવનારી તહેવારોની સીઝન સાથે થઈ રહ્યો છે. દેશમાં તહેવારોની આ સીઝન સામાન્ય રીતે ઓગસ્ટથી નવેમ્બર સુધી ચાલે છે. આ સમયગાળા દરમિયાન, ખાસ કરીને દિવાળીના સમયે, કન્ઝ્યુમર સ્પેન્ડિંગ એટલે કે સામાન્ય લોકોની ખરીદીમાં ઘણો ઉછાળો આવે છે.
ઘણી કંપનીઓ માટે, વર્ષભરના કુલ વેચાણનો એક તૃતીયાંશ (33%) હિસ્સો આ જ સિઝનમાંથી આવે છે. મજબૂત માંગને કારણે કંપનીઓ તેમના વધેલા ખર્ચનો બોજ ગ્રાહકો પર સરળતાથી નાખી શકશે.
જૂન મહિનામાં ખાદ્યપદાર્થો અને ઇંધણના ખર્ચમાં વધારો થવાથી કન્ઝ્યુમર પ્રાઇસ એટલે કે રિટેલ મોંઘવારી દર લગભગ એક વર્ષમાં પ્રથમ વખત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના 4% ના લક્ષ્યથી ઉપર નીકળી ગયો. જોકે આ આંકડો RBI ના 2% થી 6% ના સહનશીલ દાયરા એટલે કે ટોલરન્સ બેન્ડની અંદર જ છે.
આવનારા મહિનાઓમાં કંપનીઓ દ્વારા ભાવ વધારવામાં આવવાથી અને નબળા ચોમાસાને કારણે ખાદ્યપદાર્થોની કિંમતો વધવાથી મોંઘવારીનું દબાણ વધુ વધી શકે છે. RBIનું અનુમાન છે કે માર્ચ 2027 ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષમાં સરેરાશ મોંઘવારી દર 5.1% રહી શકે છે.