છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય બનતાં છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 257 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે અનેક શહેરો અને ગામોમાં રસ્તાઓ પર પાણી ભરાયા છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં જનજીવન પણ પ્રભાવિત થયું છે.મોરબી જિલ્લામાં સૌથી વધુ 8.78 ઈંચ વરસાદ વરસ્યો છે, જ્યારે ધ્રાંગધ્રા અને હળવદમાં 7-7 ઈંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.

આ ઉપરાંત નાંદોદ અને ગરૂડેશ્વરમાં 4.88-4.88 ઈંચ, માળિયા (મીં)માં 4.80 ઈંચ, નાનાપોંઢામાં 4.57 ઈંચ, વાંકાનેરમાં 4.53 ઈંચ અને લખતરમાં 4.49 ઈંચ વરસાદ નોંધાયો છે. કપરાડામાં 4.41 ઈંચ, ઉમરપાડામાં 4.37 ઈંચ, ભરૂચમાં 4.21 ઈંચ, ઝઘડિયામાં 4.17 ઈંચ અને ઓલપાડમાં 4.13 ઈંચ વરસાદ વરસ્યો છે.

મહુધામાં 3.94 ઈંચ, અંકલેશ્વરમાં 3.78 ઈંચ, મૂળી અને ચુડામાં 3.66-3.66 ઈંચ, થાનગઢમાં 3.50 ઈંચ, શિનોરમાં 3.43 ઈંચ, ચોટીલામાં 3.15 ઈંચ તેમજ નસવાડી, કપડવંજ અને કઠલાલમાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ચીખલીમાં 3.03 ઈંચ વરસાદ વરસ્યો છે.

પાટણ, દિયોદર, કામરેજ અને સિદ્ધપુરમાં લગભગ 3 ઈંચ વરસાદ નોંધાયો છે, જ્યારે સુરત શહેર અને રાજકોટ શહેરમાં 2.91 ઈંચ વરસાદ વરસ્યો છે.

સરકારી આંકડા મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 27 તાલુકામાં 3થી 6 ઈંચ સુધીનો ભારે વરસાદ નોંધાયો છે. જ્યારે 112 તાલુકામાં 1થી પોણા ત્રણ ઈંચ સુધી વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે આગામી દિવસોમાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. ભારે વરસાદને ધ્યાનમાં રાખીને લોકોને જરૂરી સાવચેતી રાખવા અને નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *