149મી જગન્નાથ રથયાત્રાને લઈ અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું; જાણો કયા રસ્તા બંધ રહેશે અને કયા ખુલ્લા

અમદાવાદ શહેરમાં આગામી તા. 16/07/2026 ના રોજ પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજીની 149 મી ભવ્ય રથયાત્રા નીકળનાર છે. આ પવિત્ર પ્રસંગે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે, જેના કારણે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ટ્રાફિકની ગંભીર સમસ્યા નિવારવા માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા રથયાત્રાને લઈને એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જે મુજબ 15 જુલાઈની મધરાતથી રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી શહેરના અનેક વિસ્તારોમાં ટ્રાફિક પ્રતિબંધ અમલમાં રહેશે. અમદાવાદવાસીઓને રથયાત્રાના દિવસે કોઈ અગવડતા ન પડે તે માટે ટ્રાફિક રૂટ, ડાયવર્ઝન અને પોલીસ બંદોબસ્તની કેવી છે તૈયારી..??રથયાત્રાનો રૂટ અને પ્રતિબંધિત માર્ગો
ભગવાન જગન્નાથની રથયાત્રાનો કુલ રૂટ અંદાજે 16 કિલોમીટરનો રહેશે. જેમાં જગન્નાથ મંદિરથી સરસપુર મંદિર સુધીનો 5.8 કિલોમીટરનો રૂટ અને સરસપુરથી પરત નિજમંદિર સુધીનો 10.1 કિલોમીટરનો રૂટ સામેલ છે.
સંપૂર્ણ બંધ રહેનારા મુખ્ય માર્ગો
જમાલપુર, આસ્ટોડિયા, ખાડિયા, કાલુપુર, સરસપુર, દિલ્હી દરવાજા અને શાહપુર સહિતના મુખ્ય રૂટ.
અન્ય બંધ માર્ગો
ત્રણ દરવાજા, પાનકોર નાકા, માણેકચોક અને ગોળલીમડા તરફ જતા અનેક માર્ગો બંધ રહેશે.
વહેલી સવારનો પ્રતિબંધ
સવારે ૫ વાગ્યાથી જ જમાલપુર પોલીસ ચોકીથી ખમાસા તરફનો ટ્રાફિક વાહનો માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે.
રથયાત્રાના રૂટ પર આવતા માર્ગો બંધ હોવાથી નાગરિકોની સુવિધા માટે કુલ 6 જેટલા રૂટ ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. વાહનચાલકો રાયખડ–રિવરફ્રન્ટ, ગીતામંદિર, ગાંધીબ્રિજ અને ઇન્કમટેક્સ જેવા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરી શકશે. કાલુપુર બ્રિજ, પ્રેમ દરવાજા, દિલ્હી દરવાજા, ઘી-કાંટા, સારંગપુર, પાંચકુવા, અમદુપુરા, નિર્મલપુરા અને રખિયાલ વિસ્તારમાં ટ્રાફિકના રૂટ બદલવામાં આવ્યા છે. કાલુપુર રેલવે સ્ટેશન જવા માંગતા મુસાફરોએ સારંગપુર સર્કલ તરફથી જવાની ખાસ સલાહ આપવામાં આવી છે.
500થી વધુ જવાનોનો લોખંડી બંદોબસ્ત
રથયાત્રાના રૂટ પર ટ્રાફિક વ્યવસ્થા અકબંધ રહે તે માટે રાત્રિના ૨ વાગ્યાથી જ અમદાવાદ ટ્રાફિક પોલીસના જવાનો તૈનાત થઈ જશે.
પોલીસ ફોર્સ: 1 JCP, 4 DCP, 6 ACP, 18 PI, 30 PSI, 800 ટ્રાફિક પોલીસ કર્મીઓ, 300 હોમગાર્ડ અને 350 TRB જવાનો મળીને કુલ 1500 થી વધુ અધિકારીઓ/કર્મચારીઓ ફરજ બજાવશે.
સુરક્ષા વાહનો: ટ્રાફિક નિયમન માટે 23 ક્રેન, 9 ઈન્ટરસેપ્ટર વાહન, 1 પેટ્રોલિંગ કાર અને CCTV કેમેરાથી સજ્જ 18 વાહનો તૈનાત રહેશે.
મુખ્ય રથયાત્રા ઉપરાંત, શહેરની અન્ય 6 નાની-મોટી રથયાત્રાઓનું પણ ટ્રાફિક નિયમન પોલીસ દ્વારા કરવામાં આવશે.
નોંધનીય છે કે, આ જાહેરનામામાંથી એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને અધિકૃત સરકારી વાહનોને ટ્રાફિક પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. પોલીસના આ જાહેરનામાનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ-223 અને ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.