મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ

આગામી અષાઢી બીજના પાવન પર્વે યોજાનારી રથયાત્રા પૂર્વે ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા પાટણ જિલ્લાના ઐતિહાસિક સિદ્ધપુર શહેરમાંથી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે કથિત કનેક્શન ધરાવતા પાંચ શંકાસ્પદ શખ્સોની અટકાયત કરવામાં આવી છે.

રથયાત્રા દરમિયાન રાજ્યની સુખાકારી અને શાંતિ ભંગ કરવાના કોઈ પણ આતંકી કાવતરાને અગાઉથી જ નિષ્ફળ બનાવવાના હેતુથી એજન્સી દ્વારા પ્રાપ્ત થયેલી ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે ગત મોડી રાત્રે હાથ ધરાયેલા સઘન સર્ચ ઓપરેશન અને દરોડા દરમિયાન આ કડક કાર્યવાહી કરવામાં આવી છે.

અહેવાલો અનુસાર, ગુજરાત ATSની અલગ-અલગ ટીમોએ ગુપ્ત બાતમીના આધારે સિદ્ધપુરના આટવાડા ગામમાં ધામા નાખ્યા હતા, જ્યાં મોડી રાતથી વહેલી સવાર સુધી સઘન સર્ચ ઓપરેશન ચાલ્યું હતું. સિદ્ધપુરના આટવાડા ગામમાં આવેલા મોહમદ અમીન શેરાના રહેણાંક મકાન પર ત્રાટકીને અધિકારીઓએ તપાસ કરી હતી અને તેના પરિવારની કલાકો સુધી પૂછપરછ કરી હતી. પ્રાથમિક અહેવાલો મુજબ, આ શંકાસ્પદો પ્રતિબંધિત પાકિસ્તાની આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) ના સભ્યો સાથે સીધા સંપર્કમાં હોવાની શંકા છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં રથયાત્રા જેવા મોટા ધાર્મિક મહોત્સવ નજીક આવી રહ્યા હોવાથી સુરક્ષા એજન્સીઓ અત્યંત એલર્ટ મોડ પર છે. આ પહેલા પણ રાજ્યમાં અલગ-અલગ સ્થળોએથી ૮ શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં પકડાયેલા પાંચેય શંકાસ્પદોને અજ્ઞાત સ્થળે ખસેડીને સઘન ઉલટતપાસ શરૂ કરવામાં આવી છે, જેથી આ મોડ્યુલ અને તેમના સંભવિત આયોજનો અંગે મોટો ખુલાસો થઈ શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *