ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી ઓસ્ટ્રેલિયામાં જાહેરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ઐતિહાસિક મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG)ની મુલાકાત લીધી હતી. આ દરમિયાન ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમતગમત ક્ષેત્રે સહયોગ વધુ મજબૂત બનાવવા માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. વડાપ્રધાને ઓસ્ટ્રેલિયાના સત્તાવાર મેસ્કોટ ‘રૂબી ધ રૂ’ (Ruby the Roo) સાથે પણ મુલાકાત કરી હતી.
આ પ્રસંગે ક્રિકેટમાં સહયોગ, રમતગમતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ, ખેલાડીઓની તાલીમ, માહિતીની આપ-લે, IPL-BBL ભાગીદારી, તેમજ 2032 બ્રિસ્બેન ઓલિમ્પિક્સ અને 2036 ઓલિમ્પિક્સ માટે ભારતની દાવેદારી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનીઝ અને ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સ્ટીવ વૉ પણ હાજર રહ્યા હતા.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમતગમતના સહયોગને વધુ મજબૂત બનાવવા માટે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. તેની જાહેરાત મુજબ આ વર્ષે ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયાની લોકપ્રિય ટી-20 ટુર્નામેન્ટ **બિગ બેશ લીગ (BBL)**ની ઓપનિંગ મેચ ચેન્નાઈમાં યોજાશે.
આ પ્રથમ વખત હશે જ્યારે કોઈ વિદેશી ક્રિકેટ લીગ ભારતની ધરતી પર પોતાની સત્તાવાર મેચ રમશે. આ મેચ સમગ્ર ભારતમાં આયોજિત થનારા સપ્તાહભરના ‘G’Day Namaste’ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બનશે, જેમાં ઓસ્ટ્રેલિયાની સંસ્કૃતિ, વેપાર અને રમતગમત સાથે જોડાયેલા વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવશે.
MCGમાં શું બોલ્યા PM મોદી?
મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “MCGમાં આવતા દરેક ભારતીયના મનમાં બે ભાવનાઓ એકસાથે જન્મે છે. એક ભારત-ઓસ્ટ્રેલિયા મેચનો રોમાંચ અને બીજી એ લાગણી કે બંને દેશોમાં ક્રિકેટ માત્ર રમત નથી, પરંતુ એક સામૂહિક જુસ્સો છે.”
તેમણે આગળ કહ્યું કે,
“આજે અહીં કોઈ લાસ્ટ ઓવરના દબાણની વાત નથી. આજે અહીં માત્ર રમતનો આનંદ, ભારત-ઓસ્ટ્રેલિયાની મિત્રતાની ઉષ્મા અને ભવિષ્યના ચેમ્પિયન્સની ઊર્જાની ઉજવણી છે.”વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનીઝે મળીને ઇન્ડિયા-ઓસ્ટ્રેલિયા સ્પોર્ટ્સ કોલેબોરેશન રોડમેપ લોન્ચ કર્યો. આ રોડમેપ હેઠળ બંને દેશો ક્રિકેટ ઉપરાંત અન્ય રમતોમાં પણ સહયોગ વધારશે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે રમતગમત ભારત અને ઓસ્ટ્રેલિયાના સંબંધોની મજબૂત કડી છે અને હવે બંને દેશો સ્પોર્ટ્સ ટ્રેનિંગ, સ્પોર્ટ્સ સાયન્સ, ટેક્નોલોજી તથા ખેલાડીઓના વિકાસ જેવા ક્ષેત્રોમાં પણ સાથે મળીને કામ કરશે.