જ્યાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ રોકાયા હતા ત્યાં જ બ્લાસ્ટ: જોરદાર ધમાકાથી ધ્રુજી સીરિયાની રાજધાની દમિશ્ક, 3 ના મોત!

સીરિયાની રાજધાની દમિશ્કમાં મંગળવારે ધમાકા થયા છે. આ સીરિયલ બ્લાસ્ટમાં 3 લોકોના મોત થયા છે. આ બોમ્બ બ્લાસ્ટ ત્યારે થયા જ્યારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સીરિયાના રાષ્ટ્રપતિ અહમદ અલ-શરા સાથે મુલાકાત માટે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. બ્લાસ્ટ શહેરના ફોર સીઝન્સ હોટેલની આસપાસ થયો, જેનાથી સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. આ હોટલમાંથી માત્ર 25 મિનિટ પહેલા ફ્રાન્સના રાષ્ટ્રપતિ નીકળ્યા હતા.
સ્થાનીક મીડિયા રિપોર્ટ પ્રમાણે દમિશ્કના મધ્ય વિસ્તારમાં એક બાદ એક સતત ચાર બ્લાસ્ટ થયા, જે હોટલમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ રોકાવાના હતા, તેની ચારે તરફ બ્લાસ્ટ થયા. ઘટનાસ્થળ પર ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં વાહન સળગતા જોવા મળી રહ્યાં છે, જ્યારે રસ્તા પર લોહીના નિશાન જોવા મળ્યા. પરંતુ આ વીડિયોની સ્વતંત્ર રૂપથી પુષ્ટિ થઈ શકી નથી.આ સીરિયલ ધમાકામાં 3 લોકોના મોત થયા છે. આ બોમ્બ બ્લાસ્ટમાં કેટલા લોકોને ઈજા થઈ છે તેની જાણકારી સામે આવી નથી. હાલ કોઈ સંગઠને આ ઘટનાની જવાબદારી લીધી નથી. સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી છે.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન સોમવારે સીરિયા પહોંચ્યા હતા. સીરિયામાં નવી સરકાર દ્વારા સત્તા સંભાળ્યા બાદ કોઈ પશ્ચિમી યુરોપિયન દેશના રાષ્ટ્રાધ્યક્ષનો આ પ્રથમ પ્રવાસ માનવામાં આવી રહ્યો છે. સીરિયાની સરકારી સમાચાર એજન્સી અનુસાર મેક્રોન પોતાની સાથે એક કારોબારી પ્રતિનિધિમંડળ પણ લઈને પહોંચ્યા છે. આ યાત્રા દરમિયાન પ્રાદેશિક સુરક્ષા, આર્થિક સહયોગ અને રોકાણના અવસરો પર ચર્ચા થવાની છે.
દમિશ્ક પહોંચવા પર ફ્રાન્સના રાષ્ટ્રપતિનું સ્વાગત સીરિયાના વિદેશ મંત્રી અસદ-અલ-શિબાનીએ કર્યું. યાત્રા પહેલા ફ્રાન્સના રાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા પર એક સંદેશો પણ શેર કર્યો હતો. તેમણે લખ્યું કે તેઓ સીરિયન લોકો પ્રત્યે ફ્રાન્સની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરવા આવ્યા છે. તેમણે વિવિધતાથી સમૃદ્ધ અને તેના પડોશીઓ સાથે શાંતિપૂર્ણ સંબંધો જાળવી રાખતા સાર્વભૌમ સીરિયા માટે પણ સમર્થન વ્યક્ત કર્યું. મેક્રોને વધુમાં જણાવ્યું કે સ્થિરતા અને શાંતિનો એક નવો અધ્યાય હવે શરૂ થવો જોઈએ.
દમિશ્કમાં થયેલા આ બ્લાસ્ટે મેક્રોનની ઐતિહાસિક યાત્રા વચ્ચે સુરક્ષા વ્યવસ્થાને લઈને નવા સવાલ ઉભા કર્યાં છે. ઘટનાની તપાસ ચાલી રહી છે. સત્તાવાર જાણકારી આવ્યા બાદ સ્થિતિ વધુ સ્પષ્ટ થશે.