સવારની ચા થશે મોંઘી, થાળીમાંથી ગાયબ થશે દાળ-શાકભાજી! ‘અલ-નીનો’ વધારશે સામાન્ય માણસનું ટેન્શન

જબરદસ્ત ગરમી પછી દેશ ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે, પરંતુ આ વખતે, પેસિફિક મહાસાગરમાં હવામાનમાં થયેલા ફેરફારો તમારા ખિસ્સાને અસર કરી શકે છે. ઉદ્યોગ નિષ્ણાતો ચેતવણી આપી રહ્યાં છે કે વૈશ્વિક સ્તરે સક્રિય ‘સુપર અલ નીનો’ ભારતના ચોમાસા ચક્રને ભારે અસર કરી શકે છે. જેની તાત્કાલિક અસર એ છે કે તમારા સવારની ચા અને રોજબરોજના ભોજન પર પડશે, કારણ કે ઓછા વરસાદને કારણે દૂધથી લઈને રોજિંદા ખોરાક સુધીના ભાવ ફરી એકવાર આસમાને પહોંચી શકે છે.
ડેરી કંપનીઓ પહેલાંથી જ આ તોળાઈ રહેલા ભાવ વધારાનો સામનો કરવા માટે વ્યૂહરચના બનાવી રહી છે. પરાગ મિલ્ક ફૂડ્સના ચેરમેન દેવેન્દ્ર શાહના જણાવ્યા મુજબ, મે મહિનામાં દૂધના ભાવમાં આશરે 2-3%નો વધારો થયો છે. જો દેશના મુખ્ય દૂધ ઉત્પાદક રાજ્યોમાં વરસાદ સામાન્ય કરતાં ઓછો રહે છે, તો જુલાઈ-ઓગસ્ટ સુધીમાં 3-4%નો ભાવ વધારો અનિવાર્ય છે.સુપર અલ નીનોને કારણે શું સમસ્યા સર્જાશે
- નબળું ચોમાસું
- દુષ્કાળ અને પાણીની અછત
- લીલા ઘાસચારાની તીવ્ર અછત
- પશુધન જાળવણીનો ખર્ચ વધવો
- દૂધ ઉત્પાદનમાં ઘટાડો
- દૂધ અને ડેરી ઉત્પાદનોના ભાવમાં વધારો
ગાય અને ભેંસ જેવા પ્રાણીઓ સંપૂર્ણપણે લીલા ઘાસચારો અને પુષ્કળ પાણી પર આધાર રાખે છે. જ્યારે વરસાદ ઓછો હોય છે, ત્યારે ઘાસચારાની તીવ્ર અછત સર્જાય છે, જેના કારણે ખર્ચ વધે છે. ખેડૂતો માટે પશુપાલન આ વર્ષે મોંઘુ થઈ શકે છે પરિણામે બજારમાં દૂધનો પુરવઠો ઘટે તેવી પૂરી સંભાવના છે. અમૂલ, મધર ડેરી અને પરાગ જેવી મોટી કંપનીઓ દ્વારા તાજેતરમાં ભાવ વધારો ફક્ત શરૂઆત હોઈ શકે છે. જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય, તો તમારે ફક્ત દૂધ માટે જ નહીં, પરંતુ દહીં, પનીર, છાશ, માખણ અને ઘી માટે પણ વધુ પૈસા ખર્ચવા પડશે.નબળા ચોમાસાની અસર ફક્ત દૂધ સુધી મર્યાદિત રહેશે નહીં. PwC ઇન્ડિયાએ ચેતવણી આપી છે કે પેસિફિક મહાસાગરમાં ‘સુપર અલ નીનો’ બની રહ્યો છે., જે ભારતના ગ્રામીણ અર્થતંત્ર અને કૃષિને સીધા જોખમમાં મૂકે છે. તેના પરિણામો ખરીફ (ઋતુથી આગળ વધશે; શુષ્ક, ગરમ શિયાળાની સ્થિતિ પાછળથી રવિ પાકને પણ નુકસાન પહોંચાડી શકે છે.
ભાવમાં સૌથી તીવ્ર વધારો આ ચાર ક્ષેત્રોમાં જોવા મળે તેવી શક્યતા છે:
કઠોળ : તુવેર, અડદ અને મગ જેવા પાક સંપૂર્ણપણે વરસાદ પર આધારિત છે. અપૂરતા વરસાદને કારણે તેમની ઉપજમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે.
ખાદ્યતેલ : સોયાબીન અને અન્ય તેલીબિયાંના ઉત્પાદનમાં ઘટાડો થવાથી ભારતની આયાત પર નિર્ભરતા વધશે, જેનાથી ખાદ્ય તેલના ભાવ વધશે.
લીલા શાકભાજી : ઓછા વરસાદની સહેજ પણ અસર લીલા શાકભાજીના છૂટક ભાવને આસમાને પહોંચાડે છે.
પશુધન ઉત્પાદનો: ઘાસચારો અને અનાજના ભાવમાં વધારો થવાથી મરઘાંના ખોરાકના ખર્ચ પર સીધી અસર પડશે, જેના કારણે સમય જતાં ઇંડા અને ચિકન વધુ મોંઘા થશે.
હાલ માટે ચોખા અને ઘઉંના મોરચે રાહત કેમ છે?
શું આ દુષ્કાળ દેશના મુખ્ય અનાજ – ચોખા અને ઘઉંને અસર કરશે? નિષ્ણાતોના મતે, જરૂરી નથી.
૧. ભારત સરકાર પાસે અનાજ (ઘઉં અને ચોખા)નો બમ્પર બફર સ્ટોક છે.
૨. દેશના મુખ્ય જળાશયો અને બંધોમાં પાણીનું સ્તર હાલમાં સંતોષકારક છે.
૩. કઠોળની ખેતી થતા પ્રદેશોની સરખામણીમાં ચોખા અને ઘઉંના પાકવાળા પટ્ટામાં સિંચાઈનું માળખું વધુ મજબૂત છે.આર્થિક વિશ્લેષકો માને છે કે અલ નીનો દેશમાં દુષ્કાળ કે ભારે ફુગાવાનો સંકેત આપતો નથી. વરસાદના વિતરણ અને સરકારના બફ સ્ટોક તેમજ આયાત ડ્યુટીનું સંચાલન કેવી રીતે કરે છે તેના પર ઘણું નિર્ભર છે.
હાલમાં લોકોએ જુલાઈ અને ઓગસ્ટ મહિનાઓ પર નજીકથી નજર રાખવાની સલાહ છે, જે ભારતીય કૃષિ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો આ બે મહિના દરમિયાન ચોમાસું વેગ પકડે છે, તો ફુગાવાનો ભય ટાળી શકાય છે. નહિંતર, તમારે વર્ષના બાકીના છ મહિના માટે ભારે કરિયાણાના બિલનો સામનો કરવા માટે માનસિક રીતે તૈયાર રહેવાની જરૂર પડશે.
ભારતના ચોમાસા પર કેવી થશે અસર
ભારતમાં અલ નીનો ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. સામાન્ય રીતે જે વર્ષે અલ નીનો સક્રિય હોય છે, તે વર્ષે ભારત પર તેની નકારાત્મક અસર જોવા મળે છે:
નબળું ચોમાસું : અલ નીનોના કારણે ભારતમાં આવતા ચોમાસાના પવનો નબળા પડે છે, જેના લીધે દેશના ઘણા ભાગોમાં ઓછો વરસાદ થાય છે અથવા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાય છે.
કૃષિ પર અસર : વરસાદની અછતને કારણે ખરીફ પાકો (જેમ કે ડાંગર, કપાસ, મગફળી) ના ઉત્પાદન પર સીધી માઠી અસર પડે છે.
વધુ ગરમી : અલ નીનો વાળા વર્ષોમાં ઉનાળો વધુ આકરો બને છે અને શિયાળો પ્રમાણમાં ઓછો ઠંડો રહે છે.દેશમાં 1000 હેક્ટરમાં થાય છે વાવેતર
દેશના ખેડૂતો માટે સૌથી મોટી સિઝન એ ખરીફ સિઝન ગણાય છે. ખેડૂતો માટે આ સૌથી મહત્વની સિઝન છે. આ સિઝનમાં પાકતા ચોખાથી લઈને કઠોળ લોકો વર્ષભર સાચવે છે. ખેતીનો આ આધાર ગણાય છે. જો ખરીફ ફેલ ગઈ તો તેની અસર રવી સિઝન પર પડશે અને ખેડૂતોનું વર્ષ ફેલ જશે. અલનીનો કારણે ખેત ઉત્પાદનો પર અસર થઈ તો સીધા ભાવ વધવા લાગશે જે મોંઘવારી વધારશે. આમ પણ સરકાર કઠોળ અને ખાદ્યતેલમાં આયાત પર નિર્ભર રહે છે. જો ઉત્પાદનમાં ઘટાડો થયો તો આયાત બિલમાં મસમોટો વધારો થશે. ગુજરાતમાં પણ ખરીફ સિઝનમાં 85 લાખ હેક્ટરમાં વાવેતર થાય છે.
શું શું મોંઘુ થશે
અનાજ અને કઠોળ (ખરીફ પાક)
ચોખા
તુવેર, અડદ અને મગ
મગફળી અને સોયાબીન
ખાંડ (શેરડી)
દૂધ અને ડેરી પ્રોડક્ટ્સ
દૂધ, છાશ, ઘી અને માખણના ભાવ વધશે
શાકભાજી અને મસાલા
ડુંગળી, બટાકા, ટામેટાં સહિતના રોજીંદા શાકભાજી મોંઘા થશે.
જીરૂ, વરિયાળી જેવા મસાલાના પાક પર પણ અસર પડશે
હોમ લોન, કાર લોન અને પર્સનલ લોનના EMI મોંઘા થઈ શકે છે.