ગાંધીનગરમાં અમિત શાહના હસ્તે ‘ભારત ટેક્સી’નો શુભારંભ:કહ્યું-બે વર્ષમાં ભારત ટેક્સી 500 શહેર-ગામડાઓમાં પહોંચશે

Oplus_131072

સહકારથી સમૃદ્ધિના મંત્રને વધુ એક વખત સાર્થક કરતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ ગુજરાતના પાટનગર ગાંધીનગરથી એક ઐતિહાસિક પહેલની શરૂઆત કરવા જઈ રહ્યા છે. દેશની પ્રથમ સરકાર અને સહકાર આધારિત ડ્રાઇવર-માલિકીની રાઇડ હેલિંગ સેવા Bharat Taxi નું અમિતભાઈ શાહના હસ્તે ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહના વિઝન હેઠળ શરૂ થઈ રહેલી ‘ભારત ટેક્સી’ દેશની પ્રથમ એવી રાઇડ હેલિંગ (ટેક્સી) સેવા છે, જે સંપૂર્ણપણે સહકારી મોડલ પર કામ કરશે. આ સેવાની સૌથી મોટી વિશેષતા એ છે કે તે ‘ડ્રાઇવર માલિકીની’ સેવા છે. અત્યાર સુધી ખાનગી કંપનીઓના પ્લેટફોર્મ પર ટેક્સી ચલાવતા ડ્રાઇવરોને ઊંચું કમિશન ચૂકવવું પડતું હતું, પરંતુ આ સરકારી-સહકારી મોડલથી હવે ડ્રાઇવરો (સારથીઓ) આર્થિક રીતે સશક્ત બનશે અને સીધા જ પોતાની કમાણીના માલિક બનશે. આ લોન્ચિંગ સાથે જ ગુજરાતભરમાંથી 4,000 થી વધુ નવા સારથીઓ આ ડિજિટલ ક્રાંતિનો હિસ્સો બનશે.

પ્રારંભિક તબક્કામાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ દ્વારા આ ‘ભારત ટેક્સી’ સેવાનો પ્રારંભ ગુજરાત રાજ્યના 14 મુખ્ય શહેરોમાં કરવામાં આવશે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર અને જૂનાગઢ જેવા મહાનગરોનો સમાવેશ થાય છે. આ શહેરોના નાગરિકોને હવે સસ્તી, સુરક્ષિત અને વિશ્વાસપાત્ર સરકારી ટેક્સી સેવાનો લાભ મળશે.

ગુજરાત અને દેશભરમાં ‘ભારત ટેક્સી’નો વ્યાપ
આ સેવા લોન્ચ થતાં પહેલાં જ પાયલોટ પ્રોજેક્ટ અને પ્રાથમિક જોડાણ અંતર્ગત અત્યંત લોકપ્રિય સાબિત થઈ ચૂકી છે:

રાજ્યમાં અત્યાર સુધીમાં 1. 5લાખથી વધુ સારથીઓ (ડ્રાઇવરો) અને 6 લાખથી વધુ ગ્રાહકો આ પ્લેટફોર્મ સાથે જોડાઈ ચૂક્યા છે.

રાષ્ટ્રીય સ્તર પર સ્થિતિ
સમગ્ર દેશમાં આ નેટવર્કનો વ્યાપ વધી રહ્યો છે, જેમાં હાલમાં જ 7 લાખથી વધુ સારથી અને 31 લાખથી વધુ ગ્રાહકો નોંધાયેલા છે.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ‘ભારત ટેક્સી’ એ દેશના ઇતિહાસમાં એક મોટી ક્રાંતિ છે, કારણ કે ભારતના ઝડપી વિકાસ સાથે ટેક્સીની જરૂરિયાત પણ સતત વધી છે. સામાન્ય રીતે ટેક્સી શબ્દ સાંભળતા જ ફોર-વ્હીલર યાદ આવે છે, પરંતુ હવે ટુ-વ્હીલર વાહનો અને ગુજરાતના વાહન વ્યવહારનો પ્રાણ ગણાતી રિક્ષાઓ પણ ટેક્સીનો જ એક મહત્વનો ભાગ બની ગઈ છે. અગાઉ માર્કેટમાં આવેલી અલગ-અલગ ખાનગી ટેક્સી કંપનીઓએ એપ બનાવીને ડ્રાઇવરોનું ભારે શોષણ કર્યું હતું અને આ સંદર્ભે અનેક ફરિયાદો સરકાર સુધી પહોંચી હતી.

વધુમાં તેમણે જણાવ્યું કે, ખાનગી કંપનીઓ જેમને માત્ર એક ડ્રાઇવર માને છે, તેમને અમે ‘સારથી’ ગણીએ છીએ; આ જ શોષણનો અંત લાવવા માટે સહકાર મોડલ પર એક નવી ટેક્સી સેવા શરૂ કરવાનો વિચાર આવ્યો અને તેમાંથી જન્મેલી આ ‘સહકાર ટેક્સી’ હવે ડ્રાઇવરોના શોષણનો કાયમી અંત લાવશે.

વધુમાં અમિતભાઈ શાહે સ્પષ્ટ કર્યું છે કે, આ સેવાનો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો નથી પરંતુ શોષણ અટકાવવાનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *