પાવાગઢમાં મોટી દુર્ઘટના, વરસતા વરસાદમાં ભેખડ ધસી પડતા 2 લોકોના મોત

પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર પર આજે વહેલી સવારે પાંચેક વાગે એક મોટી દૂર્ઘટના સર્જાઇ હતી. પરોઢિયે અહીં ધોધમાર વરસાદ ખાબક્યો આ દરમિયાન પાટિયા પુલ નજીક અચાનક ભુસ્ખલન (લેન્ડસ્લાઇડ) થતાં બે યાત્રિકોના પથ્થરો નીચે દબાઈ જવાથી કરૂણ મોત નીપજ્યા હતા. 

ભારે વરસાદ અને પવનો ફૂંકાવવાના કારણે યાત્રીઓને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. પાવાગઢ પર્વત પરથી મોટા પથ્થરો સીધા પગથિયાં પર ગબડી પડતાં ચારથી વધુ શ્રદ્ધાળુઓ ભેખડો નીચે દબાયા હતા, જેમાંથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ત્રણ વ્યક્તિઓને તાત્કાલિક સારવાર અર્થે હાલોલની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વહેતા પાણીના ભારે પ્રવાહને કારણે સર્જાયેલી આ કુદરતી આપત્તિ બાદ સ્થાનિક પાવાગઢ પોલીસ અને રોપ-વેની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે.સમગ્ર પંચમહાલ જિલ્લામાં થઈ રહેલા મુશળધાર વરસાદને કારણે માત્ર પાવાગઢ જ નહીં, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં પણ જનજીવન પ્રભાવિત થયું છે. ગોધરાના કાંકણપુર નજીક મયો નદી પર બની રહેલો નિર્માણાધીન બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના લીધે કાંકણપુર અને રામપુરાને જોડતો મુખ્ય વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. આ સિવાય આસપાસના ગ્રામીણ વિસ્તારોના અનેક નાના માર્ગો બંધ થયા છે અને તોફાની પવનના કારણે વૃક્ષો ધરાશાયી થવાના અહેવાલો પણ સાંપડ્યા છે.

ઉલ્લેખનીય છે કે, હાલોલ નજીક આવેલો પાવાગઢ ડુંગર અને તેની તળેટીમાં આવેલું ઐતિહાસિક ચાંપાનેર સાંસ્કૃતિક ધરોહર ધરાવે છે. પર્વતની ટોચ પર બિરાજમાન 51 શક્તિપીઠોમાંની એક એવી જગતજનની મહાકાળી માતાના દર્શનાર્થે દરરોજ હજારોની સંખ્યામાં લોકો આવે છે, ત્યારે વરસાદી માહોલમાં બનેલી આ ઘટનાથી શ્રદ્ધાળુઓમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *