હોર્મુઝ સ્ટ્રેટ ખુલતા 40 જહાજો ભારત તરફ રવાના, મોંઘવારીથી રાહત મળવાના સંકેત

પશ્ચિમ એશિયામાં લાંબા સમયથી ચાલી રહેલા તણાવ બાદ હવે સ્થિતિ સામાન્ય બનતી દેખાઈ રહી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા શાંતિપૂર્ણ સમજૂતીના પગલે આંતરરાષ્ટ્રીય વેપાર અને ઊર્જા પરિવહન માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતો હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી સંપૂર્ણપણે કાર્યરત બન્યો છે. આ ઘટનાક્રમ ભારત માટે ખાસ મહત્વનો છે, કારણ કે દેશની ઊર્જાની મોટી જરૂરિયાતો ખાડી દેશોમાંથી આયાત થતી છે.

હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખુલતાં ક્રૂડ ઓઇલ અને ગેસના જથ્થાની અવરજવર સરળ બની રહી છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સપ્લાયની ચિંતાઓ ઘટી રહી છે. ઊર્જા ક્ષેત્રના નિષ્ણાતોનું માનવું છે કે જો આ સ્થિતિ સ્થિર રહેશે તો આગામી દિવસોમાં પેટ્રોલ, ડીઝલ અને ઘરેલુ ગેસના ભાવ પર સકારાત્મક અસર જોવા મળી શકે છે. સામાન્ય નાગરિકો માટે આ મોંઘવારીના સમયમાં મોટી રાહત બની શકે છે.

ગુજરાતના દહેજ બંદરે LNG (લિક્વિફાઈડ નેચરલ ગેસ)થી ભરેલા ‘LNG દિશા’ જહાજનું સફળ આગમન થયું છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થઈ ભારત પહોંચેલું આ જહાજ અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી સમજૂતી બાદ દેશ પહોંચનારું પ્રથમ LNG જહાજ માનવામાં આવી રહ્યું છે. દહેજ બંદર ભારતના મુખ્ય LNG આયાત કેન્દ્રોમાંનું એક હોવાથી આ જહાજનું આગમન દેશના ઊર્જા પુરવઠા અને સમુદ્રી વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાઈ રહ્યું છે. LNGના વધતા પુરવઠાથી ઊર્જા ક્ષેત્રને મજબૂતી મળશે તેમજ દેશની વધતી ઊર્જા જરૂરિયાતોને પૂર્ણ કરવામાં પણ મહત્વપૂર્ણ સહાય મળશે.સ્ટ્રેટ ખુલતાની સાથે જ અનેક ગેસ અને ઊર્જા વહન કરતા જહાજોએ ભારત તરફની મુસાફરી શરૂ કરી દીધી છે. માહિતી મુજબ આશરે 40 જેટલા જહાજો ભારત તરફ આગળ વધી રહ્યા છે, જેમાં એલએનજી (LNG) અને એલપીજી (LPG)નો મોટો જથ્થો સામેલ છે. આ પુરવઠો શરૂ થતાં ગેસની ઉપલબ્ધતા વધશે અને બજારમાં સ્થિરતા આવવાની શક્યતા છે.

તાજેતરના તણાવ દરમિયાન ભારત માટે એલપીજીની આયાતમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો, જેના કારણે સપ્લાય ચેઇન પર દબાણ વધ્યું હતું. હવે દરિયાઈ માર્ગ ખુલતાં રાંધણ ગેસની આયાત ફરી ગતિ પકડી રહી છે. આવનારા દિવસોમાં એલપીજીની ઉપલબ્ધતા વધવાથી પુરવઠાની ચિંતા ઘટશે અને ગ્રાહકોને પણ રાહત મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *