ગુજરાત સરકારનો મોટો નિર્ણય: GAS કેડરના 68 અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ છૂટ્યા

ગુજરાતમાં સરકારી વહીવટી માળખામાં એક બહુ મોટો ફેરફાર જોવા મળ્યો છે. રાજ્ય સરકારે ગુજરાત વહીવટી સેવા (GAS) ક્લાસ-1 ના કુલ 68 અધિકારીઓની બદલી અને બઢતી (પ્રમોશન) ના ઓર્ડર એકસાથે બહાર પાડ્યા છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા 1 જૂન, 2026 ના રોજ જાહેર કરાયેલા આ આદેશથી મહાનગરપાલિકાઓથી લઈને કલેક્ટર કચેરીઓ સુધીના માળખામાં મોટા ફેરફારો થયા છે, જેની સીધી અસર રાજ્યની વહીવટી કામગીરી પર જોવા મળશે.

સામાન્ય વહીવટ વિભાગના નોટિફિકેશન મુજબ, આ મોટા ફેરબદલમાં સિલેક્શન અને સિનિયર સ્કેલના 16 ઉચ્ચ અધિકારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. આ સાથે જ, જુનિયર સ્કેલના 52 અધિકારીઓને સિનિયર સ્કેલમાં સીધું પ્રમોશન આપીને નવી જગ્યાઓ પર જવાબદારી સોંપવામાં આવી છે.

આ બદલી અને બઢતીના દોરમાં મુખ્યમંત્રી કાર્યાલય (CMO) માં ફરજ બજાવતા અગ્રણી અધિકારીઓ પણ સામેલ છે. આ ઉપરાંત, રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં નિવાસી અધિક કલેક્ટર (RAC), ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના (DRDA) નિયામકોની પણ બદલી કરી દેવામાં આવી છે. આ સાથે સ્ટેમ્પ્સ અને રજીસ્ટ્રેશન વિભાગમાં પણ નવા અધિકારીઓની નિમણૂક કરાઈ છે.

અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્માએ આ અંગેના સત્તાવાર હુકમ જારી કર્યા છે. આ હુકમ મુજબ ખાસ કરીને બનાસકાંઠા, કચ્છ-ભુજ, અમદાવાદ, આણંદ, ખેડા અને સુરત જેવા મહત્વના મથકો પર નવી જગ્યાઓ ઊભી કરીને તાત્કાલિક ધોરણે કલેક્ટર કક્ષાના અધિકારીઓને વરણી આપી દેવામાં આવી છે. આ સિવાય વડોદરા, ગાંધીનગર, ભરૂચ, નવસારી અને મહેસાણામાં પણ નિવાસી અધિક કલેક્ટર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિતના મહત્વપૂર્ણ હોદ્દાઓ પર નવા અધિકારીઓને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: http://રાજ્યના અનેક જિલ્લામાં ભારે પવન સાથે તૂટી પડ્યો વરસાદ, જનજીવન પ્રભાવિત, દાહોદમાં હોર્ડિગ્સ પડતાં એકનું મૃત્યુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *